wirat darshan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિરાટ-દર્શન

wirat darshan

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
વિરાટ-દર્શન
ઝવેરચંદ મેઘાણી

[છંદઃ ચારણી ચરચરી]

બાજે ડમરું દિગન્ત, ગાજે કદમો અનંત,

આઘે દેખો, રે અંધ! ચડી ઘોર આંધી:

દેશેદેશથી લોક, નરનારી થોકથોક

ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.

વિધવિધ વાણી ને વેશ: વિધવિધ રંગો ને કેશ!

તોય નવ દ્વેષ લેશ દાખવતાં આવે;

દેતાં ડગ એકતાલ, નિર્ભયતાની મશાલ.

લઇને કંગાલ કેરી સેના આવે.

દેખો! રે કાલ કેરી સેના આવે.

ગરજે નવલાં નિશાન1: નવલાં મુક્તિનાં ગાનઃ

ઊડત ધ્વજ આસમાન સિંદૂરભીંજ્યો;

ઊભાં સબ રાષ્ટ્ર દેખ, થરથર પૂછે હરેકઃ

કંકુબોળેલ કહો જી કોણ નેજો?

ગગને દેતા હુંકાટ, ઝલમલ જ્યોતિ લલાટ.

વદ, હો બંધુ વિરાટ! ક્યાં થકી તું આવે?

માનવજાતિને કાજ આશાવંતા અવાજ,

શા શા સંદેશ આજ તુજ સંગે લાવે?

રંકોનાં લાખ લાખ દળ-વાદળ આવે.

[સંઘગાન]

અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,

સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;

અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,

માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*****

અમે માનવમંદિર કેરી નવતર રચના અનેરી

સોંપી તમને, નમેરી માલિક ધનવંતા!

તમ પર ઇતબાર ધરી, વેઠ્યાં દુઃખ મરી મરી,

બોજા ચૂપ કરી રહ્યા પીઠ પર વહંતા.

આજ નીરખી આલીશાન જુગજૂનાં બાંધકામ

ધ્રુજે અમ હાડચામ, હૈયા અમ ઘડકે;

ધવલાં દિવ્યધામ, કીધાં શીદ તમે શ્યામ!

છાંટ્યાં પ્રભુના મુકામ રંક તણે રક્તે.

અમે સહુ ધોવા કલંક, ધોવા તમ પાપપંક,

દિલનાં વિષડંખ સૌ વિસારી અહીં આવ્યાં;

સહુને વસવા સમાન ચણવા નવલાં મકાન,

ગાતાં શ્રદ્ધાનું ગાન લોકસંઘ આવ્યાં;

દેખ! મહાકાલનાં કરાલ સૈન્ય આવ્યાં.

[સંઘગાન]

અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,

સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;

અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,

માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*****

તમે રૂંધી નભના ઉજાસ, પ્રભુજીના પવન-શ્વાસ,

રચિયાં રૌરવી ખાસ યંત્ર-કારખાનાં;

લેવા ધનના નિચોડ; છૂંદ્યા મનુબાગછોડ;

બાફ્યાં અમ કોડભર્યાં બાલપુષ્પ નાનાં.

તમે પૂરી અમ પુત્રીઓને, ભોળી સાવિત્રીઓને,

કોમળ કળીઓને છેક વેશ્યામંદિરીએ;

ટુકડા રોટીને કાજ, વેચે વનિતાઓ લાજ-

એવા તમ રાજના પ્રતાપ શેં વીસરીએ!

હાય, સહુ આશા અમારી સૂતી હત્યાપથારી,

અને રુધિરે ભીંજાડી નયનો અમ લાવ્યાં;

નૂતન શક્તિનો તાજ પહેરી શિર પરે આજ,

માનવમુક્તિને કાજ રંકસૈન્ય આવ્યાં.

જો જો, કંગાળ તણાં દળ-વાદળ આવ્યાં.

*****

અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,

સાગરથી, ગિરિવરથી, સુણી સાદ આવ્યાં;

અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,

માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

*****

હવે કંપો રે, કૃપાલ! કંપો, અમ રક્ષપાલ!

પરની રોટીના ભક્ષનાર, તમે કંપો!

છલના કિલ્લા ને કોટ કરવા સહુ લોટપોટ,

આવે લંગોટધારી સૈન્ય: હવે કંપો!

માનવ આત્માની માંહી જુગજગથી જે છુપાઈ

ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસાઃ

છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ત્ર

અકલંકિત ને અહિંસ્ત્ર: અમારી આશા.

આખર એની જીત: સમજી લેજો ખચીત;

ભાગો, ભયભીત જાલિમો! વિરાટ આવે,

નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,

એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે.

દેખ! દેખ! કાલનાં અપાર કટક આવે.

(1932)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997