widhwa ben babanne - Metrical Poem | RekhtaGujarati

વિધવા બેન બાબાંને

widhwa ben babanne

કલાપી કલાપી
વિધવા બેન બાબાંને
કલાપી

વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!

માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું!

મૃત્યુ થાતાં રટણ કરવું ઇષ્ટનું એય લ્હાણું!

આશા રાખી મરણ પછી ને જીવવું એક લ્હાણું! ૧

સંબન્ધીના મરણ પછી ના સર્વ સંબન્ધ તૂટે,

બેની! આંહીં વિરહ ખરો ચિરસંબન્ધ ભાસે;

તે પ્રેમી જે પ્રણયમયતા જોઈ માણે વિયોગે,

મીઠું કિન્તુ ક્ષણિક નકી સ્વપન સંયોગ તો છે. ર

છે વૈધવ્યે વધુ વિમલતા, બેન, સૌભાગ્યથી કૈં,

છે ભક્તિમાં વધુ વિમલતા, બેન, શૃંગારથી કૈં,

બાબાં! તારા મૃદુ હૃદયને ઓપ વૈધવ્ય આપી,

ઊંચે ઊંચે તુજ દિલ જશે લેઈ ધીમે ઉપાડી. ૩

ના બોલું તુજ હૃદયનાં અશ્રુ હું લૂછવાને,

શાને લૂછું હૃદયશુચિતા આંસુડાં દાખવે જે?

વહાલી બાબાં! કુદરતકૃતિ સર્વદા હેતુવાળી,

ઇચ્છે દેવા અનુભવ પ્રભુ સર્વને સર્વ, વ્હાલી! ૪

બાપુ! સૌ સુખદુઃખ તણી વેઠ નાખી નથી કૈં,

તો બોજો કુદરત તણો માત્ર કલ્યાણકારી;

પ્હાડો જે પથિક સહુને આવતા માર્ગમાં ત્યાં,

ચક્ષુવાળાં શ્રમિત બને, કિન્તુ સૌન્દર્ય જોતાં. પ

કુંડાળું કુદરત તણું કોઈ જોઈ શકે, તો,

ના ના જોશે કંઈ વિષમતા કિંતુ સીધાઈ લીસી;

ટૂંકી દૃષ્ટિ જનહૃદયની અલ્પ ખંડો જોતી,

ને તેથી સુઘડ સરણી દીસતી ડાઘવાળી. ૬

બાબાં! જોને નયન ભરીને આંસુથી એક વાર!

બાબાં! જોને સુપ્રભ રચના વિશ્વની એક વાર!

વ્હાલા સાથે નિરખતી હતી આજ જો એકલી તું,

બાબાં! ખુલ્લું હૃદય કરી જો, ઇચ્છ્યું હરિનું. ૭

જોને, બાપુ! તુજ જિગરનો મિત્ર તો ત્યાં વિલાસે!

તારો ચ્હેરો ગત હૃદય ત્યાંય ઊભું વિમાસે!

રેલાયું ઉદધિ સઘળે કિંતુ તું બિંદુ તેનું,

આડું આવ્યું પડ નયનને, તોય વારિ તારું. ૮

બેની! આવાં પડ પછી પડો આવતાં જાય આડાં!

અંતે ગાઢાં પડ ચીરી દઈ પાર જાતાં સહુ ત્યાં;

તું ને મારી પ્રિય સખી તજી હુંય જાઉં કદાપિ,

એવું કૈં શુભ કરવા ઈશ ઇચ્છે કદાપિ- ૯

રે! તો સાથે તમ હૃદયનાં ગાળજો અશ્રુ બન્ને,

જે બાકી તે ભણી લઈ તમે આવજો સાથ બન્ને;

બાબાં! તુંયે શીખીશ ફરી પાઠ ઔદાર્યનો, ને,

મારી ભોળી પ્રિય અબુધને દોરજે આજ માર્ગે. ૧૦

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ