widay - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

[ઢાળ: ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ]

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડું હતાં, ને

પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે;

ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે

અમારાં નેન ઊનાં ઝંપતાં આરામ-ઝોલે.

બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં,

કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં;

ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિઃશ્વાસ છેલ્લા,

અમારે રોમ રોમથી વહ્યા’તા રક્તરેલા.

સમય નો'તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો,

સમય નો'તો શિશુના ગાલ પણ પંપાળવાનો,

સમય નવ માવડીને એટલું કહેતાં જવાનોઃ

‘ટપકતા આંસુને, મા સમજજો બાળ નાનો.'

અહોહો! ક્યાં સુધી પાછળ અમારી આવતી'તી

વતનની પ્રીતડી! મીઠે સ્વરે સમજાવતી'તી,

ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી'તી,

‘વળો પાછા!' વદીને વ્યર્થ વલવલતી જતી’તી.

બિરાદર નૌજવાં! અમ રાહથી છો દૂર રે'જે,

અમોને પંથભૂલેલા ભલે તું માની લેજે;

કદી જો હમદિલી આવે, ભલે નાદાન કે'જે;

'બિચારા' ક્હૈશ ના -લાખો ભલે ધિક્કાર દેજે!

દોસ્તો! દરગુજર દેજો દીવાના બાંધવોને;

સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આશકોને?

દિલે શું શું જલે -દેખાડીએ દિલઆહ કોને?

અમારી બેવકૂફીયે કદી સંભારશો ને?

અગર બહેતર, ભુલી જાજો અમારી યાદ ફાની!

બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિન્દગાની;

કદી સ્વાધીનતા આવે -વિનંતી, ભાઇ, છાની:

અમોનેયે સ્મરી લેજો જરી, પળ એક નાની!

(1930)

રસપ્રદ તથ્યો

કારાગૃહમાં એક સાથીએ ગુંજેલી ‘હમ ભી ઘર રહ સકતે હૈ’ જેવી કોઈ ઉર્દૂ ગીતની કડી પરથી સૂઝેલું.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997