wasant ritunun warnan - Metrical Poem | RekhtaGujarati

વસંત ઋતુનું વર્ણન

wasant ritunun warnan

દલપતરામ દલપતરામ
વસંત ઋતુનું વર્ણન
દલપતરામ

(ઉપજાતિ વૃત્ત)

રૂડો જુઓ ઋતુરાજ આવ્યો,

મુકામ તેણે વનમાં જમાવ્યો;

તરુવરોએ શણગાર કીધો,

જાણે વસંતે શિરપાવ દીધો.

જુનાં જુનાં પત્ર ગયાં ખરીને,

શોભે તરુ પત્ર નવાં ધરીને;

જાણે નવાં વસ્ત્ર ધર્યાં ઉજાળી,

સમીપમાં લગ્નસરા નિહાળી.

આંબે જુઓ મ્હોર અપાર આવ્યો,

જાણે ખજાનો ભરી મ્હોર લાવ્યો;

જો કોકિલા ગાન રૂડું કરે છે,

વસંતના શું જશ ઉચ્ચરે છે?

બોલે મીઠું કોકિલ એક જ્યારે,

વાદે બીજા એથી મીઠું ઉંચારે,

વિવાદ જાણે કવિયો કરે છે,

વખાણ લેવા સ્પરધા ધરે છે.

ચોપાનિયાં પુસ્તક જો પ્રકાસે,

ભલુંજ તેથી નૃપરાજ્ય ભાસે;

તથા તરુ શોભિત પુષ્પ ભારે,

તો કેમ આંબા નહિ પુષ્પ તારે?

સુશોભિતો થા હરિને પ્રતાપે,

પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;

સ્તુતિ કરી ભાગ્યે પ્રભુ સમીપે,

સુપુષ્પથી સુંદર દેહ દીપે.

અરે કીધાં ફુલ કેમ આંબે,

કર્યા વળી કંટક શા ગુલાબે;

સુલોચનાને શિર અંધ સ્વામી,

ખરે વિધાતા તુજ કૃત્ય ખામી.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008