wasant pararthna - Metrical Poem | RekhtaGujarati

વસંત પ્રાર્થના

wasant pararthna

કાન્ત કાન્ત
વસંત પ્રાર્થના
કાન્ત

વસંત વનદેવતા! શુભ, સદૈવ સત્યંવદા

કરે વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા;

અને વનવને, અનેક ગિરિને તટે, સાગરે,

ભરે અનિલ બાલકો વિરલ દિવ્ય તારા સ્વરો!

વિભૂતિ વિભુની પ્રસન્ન તવ નેત્રમાં દીપતી,

તૃષા હૃદય દગ્ધની નિમિષ માત્રથી છીપતી;

સખી સકલ જીવની! સદય દેવિ! સાષ્ટાંગથી

નમી ચરણમાં અમે યુગલ યાચીએ આટલું:-

વસો અમ શરીરમાં, હૃદયમાં, અને નેહમાં,

કસો પ્રકૃતિ સર્વથા પ્રણયદાનની ચેહમાં;

વિશુદ્ધ સુખનાં લતાકુસુમ જીવને જામજો,

અપત્ય પરિશીલને વિમલ ધર્મને પામજો!

વસંત વનદેવતા! શુભ, સદૈવ સત્યંવદા,

કરો વિહગ વિશ્વનાં મધુર ગાન તારાં સદા!

અને અનિલ બાલકો વિરલ દિવ્ય તારા સ્વરો,

ભરો વનવને, અનેક ગિરિને તટે, સાગરે!

(૧૯૦ર)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000