wanwarnan - Metrical Poem | RekhtaGujarati

વનવર્ણન

wanwarnan

નર્મદ નર્મદ
વનવર્ણન
નર્મદ

(૧) (દોહરો)

થળને ઠામે જળ કરે, વળિ થળ જળને ઠામ;

ભેગાંનાં જૂદાં કરે, જૂદાં ભેગાં રામ.

(ઈંદ્રવજા)

જાણીશ મા કે કદિ ભૂલું તૂને, લાગે ભયો ને દુખ થાય મૂને;

ચીડાઉં ભારી વળિ દેહધર્મે, તોએ હું પાછો ભજું ભક્તિમર્મે.

તારે ગમે તો સુખ પાછું આપ, તારે ગમે તો દુખમાં દાબ;

તારો ગયો જો કદિ છેક પ્યાર, મારો વધ્યો છે નકિ જાણ યાર.

પ્હેલાં ઘણો તેં રસ જે ચખાડ્યો, તેનો મને તો ગળકો લાગ્યો;

પાછો પાએ હઠથી કદાપી, તોએ હું રાજી રહું ગૂણ ગાઈ.

સંયોગકેરાં ફરિ સૂખ નાવે, તોએ વિયોગી ખમું દુઃખ ભાવે;

કાંકે દિધૂં પણ મુજ યારે, મારે ઉગારે મન જેમ ધારે.

તારાં ચરિત્રો ખુશિથી હું ગાઊં, સંતોષિ એમાં બહુ નિત્ય થાઉં;

લીલાનિમાંહિ મન મેળવૂં કે, તૂંમાં ભેળ્યું સમજૂં ખરૂં રે.

(૨) શીયાળામાં

કેવાં દિપે જે સહુ ખેતરો જે, લીલાં પિળાં નૂતન ભાતથી તે;

કોણે ગલીચો ખુબ છે બિછાવ્યો? જેની પટીએ જરને લજાવ્યો.

છોડો નમેલા કણથી ભરેલા, ગર્ભે પુરે કષ્ટિત જેમ બાલા;

જોએછ તે વાટ દાઈકેરી, જેઓ થઈ છે હરખાઈ લ્હેરી.

ઊભૂં રુંડું ખેતર જ્વાર કેરું, જોતાં રસેથી દિલ થાય ભીનું;

શોભે ઉભામારણ આરપાર, બે પાસ છોડો ઝુમતા ધાર.

હીઆ સુડા તીતર કાગડાઓ, કાબેર ચલ્લી ટિડ જીવજંતો;

ઊપેર નીચે ઘૂમતાં રંગે, તે જોઈ કોને નહિં ખૂશિ અંગે.

આનંદમાં ખેડુત બેસિ માળે, ફેંકે ભુંડી ગોફણ પંખિ ભાળે;

ટાંપી રહી છે બ્હિક ચોભણી જો, પક્ષી લુટે અંન ઉમંગથી જો!

કાપે અનાજો વળિ ખેડુ કોઈ, ગાએ ગીતો શુભ રંગ જોઈ;

ઉદ્યોગિ સાચા નિરોગિ રાતા, થાએ નહીં કો દિ મદેથિ માતા.

પત્રે ઠર્યા ઝાકળ બિંદુ સોએ, મેદાન સંધૂં થયું ભીનું જોએ;

કેવૂં મઝેનૂં ફરવૂં પ્રભાતે, લાગે જનોને ખુબ છે હવા તે.

વાએ ઘણી ટહાડ સવાર સાંજે, ખેડૂ ઉંફાળાં પટ કાંથિ લાવે;

બેસે કુંડાળે કરિ તાપણી ને, ખાએછ પોંખો પછિ પાડિને તે.

વ્હાણે ચઢંતો શ્રમથી દીઠો, લાગે રવી ઘૂમરમાંથિ મીઠો;

શોભી રહે છે વન તેમ સાંજે, પ્હાડો સુનાના ઢગ જેમ ભાસે.

વાએ ઘણો જોરથિ વાયરો ને, કંપે ઘણાં ઝાડ જનાવરો ને;

ઝાડોતણાં પાન ખરી પડે તે, જોતાં દિલાસો દિલને મળે રે.

(૩) ઉનાળામાં

(માલિની)

સરસ પવન ટહાડો મંદ વાસીત આવે,

સકળ વસતુ અંગે હોંસ આનંદ લાવે;

વન ઉપવન સંધા દીસતાં રમ્ય રંગી,

નવલ અનુરાગે પ્રાણિઓ છે ઉમંગી.

વિધ વિધ વિધ રંગે ફૂલડાં શોભિ બ્હેકે,

ઉંચિ નિચિ ઘટ પત્રે વેલિયો ખુબ લ્હેકે;

મધુરરસફળો તે સર્વને પાસ તેડે,

વળિ મિઠું પચરંગી પંખિયો ગાય કોડે.

વિવિધ ફુલલતાએ ખૂલતા માંડવાઓ,

તરુણ તરુતણા છે ડોલતા છાંયડાઓ?

હરખથિ નર માદા પંખિ ઝૂલે હિંડોળે.

મધુરસ સુખ તે લે ભાગ્યશાલી હોએ.

પરવતતણિ ટોંચે મોર કોએલ આંબે,

મધુર રવ કરે છે ધન્ય સાદે લાંબે;

ચૂત તરુપર તાજા મોરના ગુચ્છમાં તે,

મધુકરજુથ ઘૂમે હર્ષ ઘેલાઈમાં રે.

દિવસ સુરખિ મારે કૂંમળે સૂર્યતાપે,

નિરમળ શશિયોગે રાત તો રમ્ય લાગે;

સરસ ફુલ પરાગો ઠામઠામે ઊડે,

નિરખિ સકળ તૂંમાં ભાવથી કો બૂડે.

અતિશ ગરમ કીર્ણે સૂર્ય સંધે પ્રકાશે,

મૃગજલ બહુ ભાસે ક્ષારવાળી જગાએ;

સખત લુ વરસે ને ચોદિશા શૂન્ય થાએ,

નદિ સરવરકેરાં પાણિ સૂકાઈ જાએ.

બહુ ડર ઉપજાવે ખેતરો તો તપેલાં,

ઘર મુકિ કરવા તે રે પ્રવાસો સ્હેલા;

અતિશય ઉકળાટો વાદળી તાપ લાવે,

શ્રમ સહજ કરંતાં લોક થાકી જાએ.

ખુબ લટકતિ આંબે દીસતી કેરિઓ ને,

અવર ફળ ઘણાંઓ દે રસો મિષ્ટ મોંને;

હરિત ગુરુ તરૂઓ શોભતાં પાતરાંથી,

સુખ સરવ જિવોને આપતાં છાંયડાથી.

પરવરતનિ તળેથી તેથિ થોડેક દૂરે,

સુણું અટકતિ ગાતી કુંજ ધીમે સૂરે;

સરખિ મધુર ચૂં ચૂં કૂપ સારંગિ વાગે,

છરર પડતું પાણી નિર્મળૂં રમ્ય લાગે.

ચરિ કરિ વળતૂં તે પાછું ગોવારું જોઊં,

રુડું કરતું બેં બેં ટોળું ઘેટાનું જોઊં;

વળિ રમણિય જોઊં થંડ દીનાંત સીમા,

રસ પિઈ બનિ કેફી રે સમૂં પોકળીમાં.

(૪) ચોમાસામાં

(મંદાક્રાંતા)

તૈયારી છે ચુપચુપ કહે કાગડાઓ નકીબ,

સંધૂં દીસે પવન હિલે શાંત રૂડૂં ગભીર;

શોભા વર્ણૂ શું હું ઝટ પછી મેઘરાજા પધાર્યા.

વૃક્ષાદીએ હરખથિ નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા.

કેવો થંડો પવન અતિસેં જોરમાં આવતો રે,

આવી ઝડપથિ બહૂ વાદળી કાળિ જો રે;

આહા કેવૂં પડું પડું કરે ઘોર આકાશ ભારે.

ઓહોઃઆવ્યો ખુબ તુટિ પડ્યો મેઘ મોટી ધારે.

ચારે પાસે વિજળિ ચમકે ઊપરા ઉપરી રે,

ગાજી રેહે ગરજનથકી રાન આખૂં વળી રે;

વ્યાઘ્રો સિંહો અતિસ તડુકે ઝાડ મોટાં પડે રે,

જોતાં ત્રાસે પ્રથમ નિકળ્યો તે પ્રવાસી મરે રે.

જોગી બીજા જન હું સરખા કષ્ટ જેને પડેલાં,

તેઓ રાને લવ નવ બિહે જોઈ ઉત્પાત ઘેલા;

જોગી હર્ષે ચિંતન કરતા સચ્ચિદાનંદનૂં ને,

દુ:ખી અજ્ઞાઃ મરણ ઈછતા સુજ્ઞ તે રંગ જૂએ.

ચાલ્યા જાએ ગડ ગડ ગડી ભડાકા કડાકા,

વીજો ચળ્કે જળ ખુબ પડે વાયુ લેતા તડાકા;

વાંસો ફૂટે તડ તડ કરી રાન થાએ કરાળ,

ઓથો વીના સરવરતટે બૂમ પાડે મરાળ.

પ્હાડે મોરો થન થન કરે સૂર ઊંચું લઈને;

આંબા ડાળે કરતિ ટઉકા ખૂબ કોએલડી તે;

દાદૂરો તે સરવર વિષે બોલતા કૂદતા ને,

પીએ તોએ પય પય કરે આકળા ચાતકા તે.

પાણી પાણી સકળ વનની કુંજમાંહે મચે ને,

પ્હાડી ભૂમી ચકચક બને સાફ ધોવાઈને રે;

થંડી મીઠી અનુકુળ હવા થાય તાંહાં પછી રે,

દર્દો જાએ દરદ્રિ જનનાં રમ્ય પાણી હવાએ.

ખેડુ લોકો શરિર ભિજવી ખેતરે કામ કર્તા,

જેને થાએ શરદિ ગરમી થોડિ રે અન્ય કર્તા;

આહા જોતાં બહુ નવ નવા રંગના જીવજંતો,

થાએ ડાહ્યો સમજણથકી જીવ મારો નચંતો.

પ્હાડો લાગે રમણિય બહૂ છેક જંગાલિ લીલા,

કોઈ ભૂરા ધુમરથકિ તો કોઈ આછા લીલા;

ઊંચે જોઊં પરવત ચડી તો ઘણાં અભ્ર રંગી,

નીચે જોઊં ભરપુર ખુલ્યાં ઝાડનાં ઝૂંડ રંગી.

આડો જાતો બહુ પવનથી મેઘ ઊંચેથિ જોવો,

તો લાગે ધુળ ઉડિ રહી વા દિસે ધૂમ્ર ગોટો;

સિંધૂ પ્હાડો તરુ નભ સહૂ એક રંગે મળ્યાં રે,

માટી રાતિ ભિનિ ભિનિ અને ઘાસ લીલાં ભિનાં રે.

ઊંચે તર્તા વિધ વિધ કહૂં શોભતાં વાદળાંઓ.

આકારે જે તરુ પશુ જિવો પંખિ જેવાં ઘણાંઓ;

કાંણાંવાળા ઘૂં ઘૂં ઘૂં ઘૂં ઘૂં ઘૂં વાંસ પોલા કરે રે,

તે તો કુંજે પ્રિય કરણને ખૂબ લાગે ખરે રે.

કો કો ઠામે ડુંગર પરથી ધોધ મોટા પડે રે,

જેમાં રૂડા સુરજ કિરણે રંગ ઝાઝા બને રે;

એને જોતાં અચરત થઈ કાં તૂને સ્તવૂં રે,

ધો ધો ધો ધો મધુર સુણતાં કાં લ્હેરે સુઊં રે.

વ્હાણે સાંજે રુડું ધનુષ જે આસમાને જણાએ,

જોતાં તેને નિરભય તરે કો આનંદમાંહે;

થાએ જોતાં નદિ ભરપુરી કેમ ના મંન મોટૂં,

સૂણે પાણી ખળ ખળ થતૂં કેમ ના સ્હેજ લોટૂં.

હોડી ચાલે છર છર કરી કાપતી પાણિને તે,

ખેંચી બાંધ્યા પવનથકિ તોય ફૂલે સડો તે;

ભારાવાળી નમિ રહિ જુઓ બાજુ પાણી ભણી રે,

સંધ્યાકાળે તટ નિરખવૂં મોજ આહા ઘણી રે.

શોભે કેવાં બહુ ખડ અને ધાન્ય તે ખેતરોમાં,

ઝાડો લીલાં વિવિધ ફુલડાં વંનને વાડિયોમાં;

મીઠાં ખાસાં સરવરતણાં નીર તો નિર્મળાં ને,

મેદાનોમાં હરણ બકરાં ગાય ઘેટાં ચરે રે.

આકાશે તો ચકચક થતો શ્વેત વાગો સજ્યો રે,

તારાઓ જે મુઝઈ રડતા શોક તેણે તજ્યો રે;

પીડાતો તે અતિસ કમળે ચંદ્ર સારો થયો ને,

પાવા માંડી ફરિ મિઠિ સુધા ધન્ય તેણે સહૂને.

રાતે ચાંદો અધવચ ઠરે થંડ આકાશમાં ને,

તારા સંધા ચળકિ રહે ખૂબ ગંભીરતાએ;

શબ્દો લાગે દુરથકિ થતા માછિના મિષ્ટ કાને,

વાયૂ આવે ફરફર વળી મઝો કોણ જાણે!

(૫) પ્રેમચંદા

(પદ)

પ્રેમચંદાની બલહારી રે, રસીક જન સોએ;

પીએ અંમૃત તો નરનારી રે, અંશી જન હોએ. ટેક

ચંદા મળે હવે માહરે રે, કરવી તે કોની આશ;

જંજાળથી છુટકો થશે રે, પીઊં અમૃત હોંસે હાસ રે. અં...

અંમૃત એવું વ્યાપિ રહે રે, તન મન ભરપૂર થાય;

બાહ્યાંતર આનંદમાં રે, સહૂ તાપ સમૂળા જાય રે. અં...

રૂવે રૂવે થંડક બહુ ઝરે રે, લ્હેરથી આંખ મીચાય;

ચંદા ચરીત્ર સંભારતાં રે, સેજ સૂખેથી ઊંઘાય રે. અં...

સ્વપ્નમાંહે ફરી જો રમૂં રે, શુભ રંગ ચંદા સાથ;

રસ ઘૂંટડે પી પીપિ ધરૂં રે, છતી સરસી સલૂણી જાત રે. અં...

ઘોર નિદ્રા કરી જાગું તારે, સત્વ ગૂણી સોહાઊં;

ચંદી ફરી નીહાળતાં રે, બનું સચિદાનંદ શૂં ગાઊં રે. અં...

ચંદા નર્મદ તે એક જગે રે, પાસે પરસ્પર જોય;

રંગે રૂપે બે સરીખડાં રે, ખૂબ અનુપમ રસમાં સોય રે. અં...

ચંદા નર્મદ પછી બે નહીં રે, એક બીંબ દેખાય;

જે પિગળી ગંગા બન્યૂં રે, જેમાં બીજાં પ્રેમીજનો ન્હાય રે. અં...

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ