sakshaar saptak - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(શિખરિણી)

અલંકારો અંગે ધરી અવનવા આસ્ય ખુલતી,

કટાક્ષેથી જોતી, ધ્વનિત સરસા અંગ ફુલતી,

મતિ લેતી ઝાલી, અગણિત જનોની ક્ષણ ગણી,

નિહાળી શું નારી? નહિ નહિ, સુવાણી હરિતણી!

સુવર્ણે શોભંતી, અભિનવ કલા અંગ ધરતી,

સુહાવે હાવેથી, અનુભવ ભલા ભાવ ભરતી,

સુરીતિવાળી એ, પિયુષ ઝરણી કલેશહરણી;

નિહાળી શું નારી? નહિ નહિ, સુવાણી હરિતણી!

સુઅંગી, રંગીલી, મુદભરણી આમોદસદની,

રહી રાગે રાચી, શુભગુણવતી પૂર્વ પદની;

અદોષી ઓચિન્તિ નજરપથ આવી બહુ બણી,

નિહાણી શું નારી? નહિ નહિ, સુવાણી હરિતણી!

મીઠું બોલી મ્હારું, મન હરણ કીધું પલકમાં,

રહી રાગે રાગી, ખુશનું ભર ખાંતે ખલકમાં

કહી વાણી કાંઈ કુદરત ભરી શૈલ વનની,

મળી’તી શું મધ્યા? નહિ, નહિ, કવિતા કુસુમની!

(હરિગીત)

અતિ કર્ણપ્રીય ઉચ્ચર ચાલે, ચરણમાં ધ્વનિ ધારતી,

પ્રતિ વાક્યમાં વરસાવતી, રસ ગુણભરી લક્ષણવતી.

પ્રીતિ મહિં પરિપકવ રીતિ શુભ ગ્રહે અણમૂલની,

વ્હાલા વખાણે વ્હાલીને? ના, બોલી બુલબુલ તણી!

ઝીલી રહી અનહદ રસે, મદછક બનેલી માનિની,

શોભે અલંકારો ખચ્યાથી, ચોગુણી ચન્દ્રાનની;

પ્રીતિ ભરેલા પ્રસવતી આનન્દ કેરા ઉભરા,

આનન્દસંમોહા પ્રિયા? બાલ મસ્ત તણી ગિરા!

(માલિની)

સરસ સરલ વાક્યે, ચોરતી ચિત્ત પ્યારી,

ચરણ સુવરણેથી સોગુણી કાન્તિ ધારી;

સુગુણવતી સુરૂપા, સુરીતિવાન શાણી

નવ ત્રિય? નહિ, ભાળી કાન્તની શાન્ત વાણી!

(શિખરિણી)

ધરે છે શૃંગારો, પણ વધતી ભા તનતણી,

જણાયે છે રાગી, પણ અતિ વિરાગી મનતણી,

મિઠાઈને માટે વદતી કુગિરા મ્લેચ્છ ભણિતિ,

વિલોકી શું વૃદ્ધા? નહિ નહિ સખા વાણિ મણિની!

ઘડી માંહિ રાગી, ઘડી માંહિ વિરાગી બનિ જતી,

ઘડી સ્વીયા સાથે, ઘડિક પરકીયા તણી ગતિ;

રસે ભીની જોઈ, ઘડિક રસહીની રહી બની,

શું દેખી સામાન્યા? નહિ, નહિ, સખા વાણિ મણિની?

(હરિગીત)

તોડી વછોડી ભૂષણો, કરી દૂર સર્વ સુવર્ણને,

રસ રાગ બેઠી ખોઈ, ખુબ કઠોર કીધા ચર્ણને;

સૂતી છુપાવી મુખ, દુઃખણીએ જોયું અમ ભણી,

શું મિત્ર! માનવતી પ્રિયા? ના ગિરા, ગિરા ગોવર્ધનતણી!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૨ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર, વ્રજલાલ દવે
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1980