વિવિધ ઋતુઓનું વર્ણન
Vividh Rutuonu Varnan
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
શીઆળે શીતળ વા વ્હાય, પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબતણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલીભાત.
ઉનાળે ઉંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય,
પામે વનસ્પતિ સૌ પાન, કેસુડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણતોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દિસે દુનીઆ ડુબાડુબ;
મોર ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચંપેલી જુઈ જાય, ફુલે ગુલાબ ભલાં ફુલાય;
છત્રી ચોમાસે સુખમાટ, ચાખડીઓ હીંચોળાખાટ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
