રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાગર કુદે નિજ તાનમાં, ભરતી ભરે, ખાલી કરે,
ને ગૂઢ લેખે જગતનો ઇતિહાસ તટ પર ચીતરે;
ફરિ એ જ સાગરતીર હૂં આવી પડૂં તે વાંચવા
પળએક કંઈ સમઝૂં જરા ત્યાં હૃદય લાગે નાચવા.
એ પળ વિષે પડિ રેતમાં હું જોઉં ઊંચે ને નિચે,
રજની ધિમે અંધારજલ આકાશથી જગ પર સિંચે;
પ્હાડો મિનારા વૃક્ષ સૌ, દુનિયા બધી તેમાં ડુબે,
એ નિત્ય પ્રલય જ નિરખવા તારા નભે નિકળી ઉભે.
દુનિયા ડુબે દુનિયા તરે: એ જોય માનવ સર્વદા;
આ વિશ્વના પલ્લા તણી દાંડી રહે નવ સ્થિર કદા:
દુનિયા તરે દુનિયા ડૂબે: માનવ ઉઠે માનવ સુવે,
ને ભાર વ્હેતા પ્રાણિશૂં ચાલી જતૂં સઘળૂં જુવે.
દુનિયા ડુબે દુનિયા તરે; તરતાં ડુબે ડુબતાં તરે:
ડુબતાં વિણે મોતી અને તરતાં ઝિલે તારા કરે!
વીણતું એ ઝીલતું આ વિશ્વ ચાલ્યૂં જાય છે,
અગણીત વર્ષ થયાં ઉભય પલ્લાં હિંડોળા ખાય છે.
દુનિયા બધી અધુરી દિસે માનવ બધૂં સમઝે નહીં:
આ સત્ય શૂં, આ શુદ્ધિ શૂં, કરિને પડે શંકા મહીં.
-અધુરૂં દિસે નજરે બધૂં તે પૂર્ણ સર્વ થશે મળી,
છૂટી પડી લાગે કડી, સંધાય ત્યારે સાંકળી!
નહિ સત્ય દુર્ગમ કોથકી, નહિ શુદ્ધિ દુર્ઘટ કો દિલે:
જોતા બધા તારા જુવે, કુસુમો બધા કાજે ખિલે:
કર્તવ્ય કરતો માનવી નિજ ભાગ નાખે તે વિષે,
શંકા કરે નહિ કે ન ભેદાભેદ જાણે કો મિશે.
માટીથકી કંચન જડે, પત્થર વિષે રત્નો મળે,
હા, તેમ માનવ દેહમાંથી દેવ આખર ઝળહળે!
સુખદુ:ખનું આ વૃક્ષ વધતૂં મંજરી ભર ધારશે,
ફલફૂલથી ઝૂકી રહી આનન્દ દિવ્ય પ્રસારશે.
કંઈ પર્વતો પિગળી ગઈ ઝાકળસમા ઊડી જશે,
પડશે ધરા સાગરમુખે, સાગર હઠી ખાલી થશે,
ખરશે ઉડુ, રવિ શીત થશે, પડશે શશી કાળોખમાં
પણ માનવી કર્તવ્યવશ વધતો જશે નિજ તેજમાં!
જે તેજ વેરાયૂં જગે તે બિન્દુરૂપ રહ્યૂં બધે,
આ વિશ્વવમાં તારાસમૂં નિયમે રહી આગળ વધે:
અન્ધારમાં ઘસડાય, પણ છે દૃષ્ટિ દૂર દિશાભણી,
કો મહાતેજ વિષે જઈ મળશે બધી જ્યોતિકણી!
નીજે પડી આ રેતમાં જોઊં ઉંચા આકાશને
આતુર નયન નિરખૂં ગગનમંડળ રમાતા રાસને:
બ્રહ્માંડ કુલ ચમકારતૂં જ તણાય ઉંડી તાનમાં
ને આ ધરા પણ દોડતી લઈ જાય સૌ તે સ્થાનમાં.
તો હે મહામુખ સાગરા! તુજ ઘોષ નિત્ય ગજાવજે!
એ ઘોષમાં અમને સદા કર્તવ્ય અમ સમઝાવજે!
તુજ નિત્યજાગ્રત હૃદયનૂં બલ આપજે અમને જરા,
આ પળસમી કંઈ ધન્ય પળ દેજે ઘણી, હે સાગરા!
અન્ધારમાં આ તારલા નિજ પન્થમાં વાધે ક્રમે,
આકાશ ભરતા દિવ્યતેજે જઈ પ્રભાતે સઉ શમે:
ત્યમ આ ઘરા પર ઘૂમતા, હે સાગરા, આપણ જશૂં
તે દૂર દિવ્ય પ્રસંગમાં તૂં, હૂં, બધા સાથે થશૂં.
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931