nisha chaitrni - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિશા ચૈત્રની

nisha chaitrni

સુન્દરમ્ સુન્દરમ્
નિશા ચૈત્રની
સુન્દરમ્

પાછલી રાત્રિ છે

ચૈત્રની શાંતિની;

આભ વેરાનમાં

એકચક્રિત્વના ગૌરવે ઘેલુડો

ફુલ્લ તવ વદન શો

એકલો ચન્દ્ર છે,

અટ્ટહાસ્યે ભર્યોં.

ગામને ગોંદરે,

પ્રખર શાંતિમાં,

એકલું એક કો

વૃક્ષ, ગાંડા બની

ઘૂમતા પવનની

ચૂડમાં થથરતું,

સનસનાટી ઉરે પ્રેરતું ઊભું છે.

શાંત એકાંતમાં,

વૃક્ષના મૂળમાં,

નીંદહીણો ઊભું,

અંગ પર ફફડતું એકલું વસ્ત્ર છે,

અંતરે મૂક હૈયાહીણું હૈયું છે;

પૃથ્વીને પ્રાન્ત પ્રાન્તે છવાયુ અહા,

કેવું એકાન્ત છે!

હૃદય એકાકીના અંતરે પણ અહા

કેવું રે ત્યાં એકાન્ત એકાન્ત છે!

ને સુકો વાયરો,

લુખો વાયરો,

જીવને ચૂડમાં

મચડતો રાચતો શો ઉદ્દાન્ત છે!

જિન્દગી શુષ્કતાવેળુમાં મૂર્છતી,

વૃક્ષના થડ પરે દેહ પછડાતી ને

અંધ શાં નેત્ર ઝબકી રુએ ને જુએઃ

તુ તહીં ઊભી છે,

ખિલખિલાટે ભરી,

મઘમઘાટે ભરી,

રાત્રિને પટ સુરેખાભરી આકૃતિ

તારી અંકાય છે,

તેજની રેખમાં અંકિતા શ્રી સમી.

ને સખી! તાહરા સ્નિગ્ધ શિરકેશની

સુરભિ ઉર ઉભરતી તે ચમેલી તણી-

પાર્શ્વ તવ બેસી જે છાની છાની સૂંઘી-

આંહી પથરાય છે,

સુપ્ત કો કુંજની પ્રીતિ ઉચ્છ્વાસ શી!

અંતરે પરસતી મૂર્ત તવ હસ્ત શી!

રાત્રિ એકાંતમાં,

હસ્ત તવ સ્પર્શતો,

વરદ વાસંતી માંગલ્ય આમંત્રતો.

એકલા અંતરે જોયુ, જાણ્યું ત્યહીં

હું સખી! તારું સર્વત્ર હા સખ્ય છે!

ગામને ગેાંદરે,

નિશા ચૈત્રની,

સાક્ષી શશિનેત્રની,

પવન શરણાઈ થઈ ને રહ્યો ગુંજી ત્યાં,

મૂક સૌરભ રહી મંત્ર કો કૂજી ત્યાં.

ઘડી,

લગ્નની શુભ ઘડી થઈ ગઈ,

ચિર વિરહની વ્યથા...

જે ચહ્યું, તે સહુ

આવી સંમુખ થયું-

તુજ સહે

પરમ કો મિલન ગૂંથાયું ત્યાં,

વરદ કેા હસ્તનું અમૃત સીંચાયું ત્યાં.

(એપ્રિલ, ૧૯૩૯)

સ્રોત

  • પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1951