milan aturan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મિલન આતુરાં

milan aturan

ભોગીલાલ ગાંધી ભોગીલાલ ગાંધી
મિલન આતુરાં
ભોગીલાલ ગાંધી

પ્રભા પ્રકટતી હતી. સુભગરંગ કંકાવટી

ધરી કરપુટે, ઉષા હૃદયનાથ સત્કારવા

જતી નભપટે, મનોમનમહીં સમુલ્લાસતી;

અને મુદિતચિત્ત સૂર્ય રતરાગ શૃંગારમાં

ભરપદ યથૈચ્છ, રે! મિલનયોગ જામ્યો તહીં!

ન્હતાં, હૃદય આપણાં મિલનઆતુરાં શું સખી?

ન્હતી ઉછળતી નદી અટલ સ્નેહ-સિન્ધુપ્રતિ?

હતાં નિરખતાં સદા શુભ મુર્હૂત શુક્લાર્ધની

વિલાસરજની ભણી, અદૂર ક્ષણો યે થઈ;

અને હરિત વર્ણ મંડપ અશોકપર્ણે લચ્યો..

રચ્યા કુસુમ કુંકુમે અબિલ અક્ષતે સ્વસ્તિકો;

રહી નવ મણા કશી, ક્ષણ અર્ધ બાકી રહી;

તહીં જવનિકા પડી–અમ વિયોગની રાતડી!

પડી જનનીહાક રે, મિલનયોગ જામ્યો નહીં!

ખરે, જવનિકા પડી અસહયોગની માતની.

સખી! શબદ માતના; પ્રણયપુર જ્યાં ત્યાં ઠર્યાં.

ઠર્યાંજ, વિલોપિયાં, ઉછળતાં સદા ચે રહ્યાં

પ્રચંડ જલધોધ શાં પ્રબળવેગ; તેં ના સુણ્યાં?

હું તો ક્ષણેક્ષણે સુણું વિરહવેદના તાહરી,

હુ તા સતત નીરખું કનકકાય ફિક્કી પડી,

હું તેા અનુભવું નિતે અણસહાય તુ બ્હાવરી.

અને મુજ ગતિ, પ્રિયે? તરલ નાવ કેરી કથા?

ડુબે ડુબડુબે છતાં ડુબતી ના; સદાયે વ્યથા!

પડ્યો પરવશે હું, ને પરવશે પડી તુંય, રે-

પડી પરવશે ત્યાં ભરતમાત, શાં આપણે?

કદીક મળશું અને અમિલનેય વર્ષો વીતે,

વીતે સકળ જિંદગી, તદપિ દુઃખ શેનુ પ્રિયે!

—વહે હૃદયમાં સદા વિમલ ઉત્કટ સ્નેહ જો.

સ્રોત

  • પુસ્તક : સાધના (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
  • પ્રકાશક : રમણલાલ પી સોની
  • વર્ષ : 1944