કોઈ બપોરવેળા
koi baporvelaa
મહેશ જોશી
Mahesh Joshi
અડાબીડ હિમવને વિહંગમ
બની ઊડું ડાળથી ડાળ નીરવ
વર્ષો લઈ સાથે અનેક એકલો,
હજુ તમે કોઈ બપોરવેળા
વાર્ધક્ય–સ્નેહાર્દ્ર દૃગે મને રહો
હૈયે ધરી, હુંય શિશુ ઉતાવળો
દોડું હવે શ્રાન્ત તમારી ગોદમાં.
હજુ તમે પાસ અમારી એકલાં
આવો કદી, કંકણના મૃદુ રવે
હજુ સુહે ચૈત્ર બપોરવેળા;
ડોલે જરી ખાટ, દબાય પાંગથે.
સ્પર્શે મૃદુ હાથ હજુય પાનીને.
એકાંત ત્યાં કુંકુમની સુવાસથી
મ્હેકી રહે સ્નાત તનુ–હજુ યઃ
વાર્ધક્યમાં યૌવનનો પ્રવેશ.
અડાબીડ હિમવને વિહંગમ
ઊડું ઊડું ડાળથી ડાળ નીરવ
ઊડું ઊડું ડાળથી ડાળ એકલો.
સ્રોત
- પુસ્તક : યતિભંગ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સર્જક : મહેશ જોશી
- પ્રકાશક : શ્રેયસ જામનગર
- વર્ષ : 1975