
માથે મધ્યાહ્નનો સૂર્ય તાપથી દિલને દહે
સ્વદેથી આર્દ્ર કો પાન્થ નીસાસા નાખતો ભમે.
પ્રણયિની હૃદયે સ્મરતો હતો, હૃદયને સ્મરતો દહતો હતો;
મૃદુલ ભાવભિની સ્મૃતિ પૂર્વની ભજવતી રસકેલિ પ્રિયાતણી.
વિવશચિત્ત થયૂં સ્મૃતિખેલથી, વિકલ દેહ થયો રવિતાપથી,
ટહુકિ કોયલ આમ્રઘટાથકી, પથિક આત્મતણી હરતી ધૃતિ.
વાયો ત્યહીં અનિલ આર્દ્ર સરિત્તટેથી
દીઠો વિશાલ સહકાર ભરેલ મ્હોરે;
બેઠો જઈ વિવશ પાન્થ રસજ્ઞ પ્રેમી
જામી સમાધિ હૃદયે રસિકેશ્વરીની.
કામાવસ્થા અનુભવિ હતી પૂર્વ ના આવિ કો દી,
જેમાં મૂર્તિ પ્રણયિની તણી હોય આલમ્બને ના;
ગાળી ભેદો જગત ભરના વ્યાપિ હૈયે સમાધિ,
ઘીમે ઘીમે તનમય થયૂં ચિત્ત એ તત્ત્વમાંહીં.
રસલીન થતાં તે તો ભેદભાન ભુલી ગયો;
પ્રકૃતિરૂપને પામી શક્તિને શરણે ગયો.
ત્રિપુરસુન્દરી ત્યાં કમલાનના લલિત ભાવ ધરી અવકાશમાં
જગતના અવકાશથિ નીકળી મધુર મૂર્તિ રસેશ્વરીની સ્વયમ્!
વિશદ ભાલ પ્રભામય દેવીનૂં સુભગતા જગની તિલકે ધરે,
નયન નેહમુદા વરસાવતાં, અધર મોહક. મૂર્ચ્છક, વર્ણ્ય ના!
ધવલ અંશુક છાદિત દેવીના, મદભર્યા ઉરનો શું ભરાવ એ!
મદનનો જિતનાર જિત્યાથકી ગરવથી વિલસે શું પ્રભાવ એ!
અલક પુષ્પભર્યા અભિલાષથી પૃથુ નિતમ્બ તણા પરસે રમે,
કુસુમમંડિત દેવી કવીશ્વરી મધુર દર્શન ભક્તદિલે દિયે.
દેવીના દર્શને મોહ્યો આત્મભાન ભુલી ગયો
ભક્તિથી મોહિને દેવી રસાસ્વાદ દઈ ખસે.
કૃતાર્થ નેને નિરખી રહી વદે “સહીશ શી રીત વિયોગ, દેવિ હૂં?”
કૃપાળુ દેવી કરુણાર્દ્ર કંઠથી સુણાવતી તત્ત્વ નિગૂઢ વિશ્વનાં.
“વિશ્વમાં સર્વ વ્યાપી હૂં ભૂત પલ્લવ પ્રાણિમાં
મૂર્તિ મ્હારી વસે તો યે સ્ત્રીલાવણ્યતરંગમાં.
કલાથી રીઝનારી હૂં, કલાધરો મ્હને પ્રિય,
સ્ત્રીને જે આર્ચનારાઓ તે બધા ભક્ત માહરા.
રસમાં રીઝનારી હૂં, આનન્દમય મૂર્તિ હૂં,
આનન્દ દૃષ્ટિથી દેખે રસિકો કવિઓ મ્હને.
પ્રેમ ને ભક્તિ હું જોઈ રીઝૂં છૂં આજ તાહરી,
-અમોઘ દઉં છૂં દૃષ્ટિ કલા-આનન્દની ત્હને!”
પ્રમુદિત થઈને સુણી રહે એ અનુભવતો કંઈ ભાવ નવીન;
અવિદિત ગતિથી સરે ય દેવી અકલકલા કવિ એ રહે નિહાળી.



સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931