vidhvans - Metrical Poem | RekhtaGujarati

કંપે છે શિખરો પહાડ તરડે માળા હિલોળે ચડે,

વૃક્ષોનાં મૂળ તૂટતાં, ઝરણની મૂંગી વ્યથાઓ દડે.

પંખી માર્ગ ભૂલે ફરી ગગનમાં ભોંઠાં પડે ને ડરે,

બચ્ચાં રાહ જુએ છવાય સઘળે અંધાર આવી મળે.

ભૂલે છે પવનો દિશા, સકલને જ્વાલા બની આવરે.

તૃણો તપ્ત સુકાય દગ્ધ હરણી વિસ્ફોટમાં ઊછળે.

ના મેઘ નથી નવું ગગન આ, શ્યામ ગર્તા સ્રવે,

વિધ્વંસે નવ સંભને સજીવ કો, આક્રાન્ત સૃષ્ટિ દ્રવે.

સ્રોત

  • પુસ્તક : બચાવનામું (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2019
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)