વિદાય
vidaay
મનહર તળપદા
Manhar Talpada
મનહર તળપદા
Manhar Talpada
પછી તે જાળીમાં અટકી ગઈ બેચાર ક્ષણને
દિશાઓનું ચારે અણકથિત કો' મૌન વિલસે
ઝૂકેલી કીકીના ગદગદિત બે નેત્રપટલે,
હવે શ્વાસે શ્વાસે પ્રસરતી જતી આ રજનીમાં.
ઝરૂખે આવીને અટવઈ ગયા જૈફ પવને
ઢબૂરી દીધાં બે કબૂતર ઊંચે ગોખ પરનાં,
પલંગે તાકીને બળુંબળું થતો દીપક પણ
ગયો પોઢી, છોડી વ્યથિત ઘરની ભીંત સઘળો.
ઘડીમાં તો આખા વરસભરનું જાગરણ લૈ
પરોઢે પંખીકો' ક્રુર વિરહનું આવી પૂગશે
બને કાલે આંહી મૂકવદનની તોય મધુરી
નહીં હોયે રાત્રિ...
ક્ષણોને તોડીને સ્થિર પછીતની શાંતિ હરતાં
ભરી નાખ્યું આખું ગગન મુખનું ઘૂંઘટ મહીં,
અને શબ્દો થોડા રણકી ઉઠીયા બંધ ગગને
પછી આછાં આછાં તિમિર ચીરતાં બેક ડૂસકાં...
સ્રોત
- પુસ્તક : બુદ્ધિપ્રકાશ : એપ્રિલ ૧૯૭૨ (પૃષ્ઠ ક્રમાંક 113)
- સંપાદક : યશવંત શુક્લ, મધુસૂદન પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા
