velii ne vruksh - Metrical Poem | RekhtaGujarati

સજની તમે રે વેલી ને અમે વૃક્ષ

સરજનહારે સરજિયાં હો જી.

(વૈતાલીય)

સજની સરજાઈ વલ્લી તું.

દ્રુમ હું, હસ્ત પસારી લૈ તને

કરવા ચહું ધન્ય આત્મને

સરજ્યો તાડ પરંતુ સર્જકે!

સજની તમે રે વેલી ને અમે તાડ

સરજનહારે સરજિયાં હો જી!

જકડાઈ રહી જમીનમાં

વિણ આશા વિણ ઉન્નતિ સદા

કુસુમો હિમબિન્દુ સાથ હું

ગરતાં ધૂલિ નિહાળું તાહરાં!

સજની તમારે રોવું ને મારે જોવું

સરજનહારે માંડિયું હોજી.

(મિશ્રોપજાતિ)

મર્યાદવેલી સજની! સ્રજી તને

ભૂમિ અને સાગરની સીમા પરે,

અને અહીં એકલ હું રહ્યો ઊભો

તને અને સાગરને નિહાળતો

સજની તમે રે વેલી ને અમે વૃક્ષ

સરજનહારે સરજિયાં હો જી.

અનહદ સાગર કેરી સમક્ષ

ઝૂરતાં ને ઝૂલતાં ભલે રિયાં હો જી.

સ્રોત

  • પુસ્તક : રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013