veer baalak baadal - Metrical Poem | RekhtaGujarati

વીર બાળક બાદલ

veer baalak baadal

અરદેશર ખબરદાર અરદેશર ખબરદાર
વીર બાળક બાદલ
અરદેશર ખબરદાર

(પુનરાવળી છંદ)

(૧)

અલાઉદિન ખિલજી જવ આવ્યો,

ચિતોડને જીતવા દળ લાવ્યો,

વીર્ય પ્રતાપ અખંડ બતાવ્યો

એવો કોણ હતો નરવીર?

કોની આજ કથા તે કરીએ,

કોનાં ગાનથકી ઉર ભરીએ

કોની પ્રતિમા નજરે ધરીએ,

કોણ હતો એવો રણવીર?

બાર વસંત દીઠી પૂરી,

બાદલવીર! બાદલવીર!

કોમળ જેની કાંતિ મધુરી,

બાદલવીર! બાદલવીર!

બાર વસંત દીઠી પૂરી,

કોમળ જેની કાંતિ મધુરી

અદ્ભુત તેશી પ્રતિમા શૂરી

રણ શોભાવે બાદલવીર!

(૨)

ચિતોડના બાળક નૃપ પક્ષે,

ભીમસિંહ બંધુ સુત રક્ષે,

તેની લલિતા રંભા લક્ષે

યવનેશ્વર મોહી થઈ પૂર;-

અલાઉદિન ઘેરો લઈ આવ્યો,

નહિ નિજ આશ વિશે કંઈ ફાવ્યો;

છળકપટે ભીમસિંહ બંધાવ્યો :

રમણી દે તો છૂટે શૂર!

શું રજપૂતાણી યશ ખોશે?

બાદલવીર! બાદલવીર!

શું વીર ભ્રષ્ટ કુસુમ જોશે?

બાદલવીર! બાદલવીર!

શું રજપૂતાણી યશ ખોશે?

શું વીર ભ્રષ્ટ કુસુમ જોશે?

ના, ના, શૂર પડ્યા ના રોશે!

હાક પડાવે બાદલવીર!

(૩)

અલાઉદિન ગર્વે નિજ ડૂલે,

એવે કંઈ સુણતાં ઉર ફૂલે,

ચિતોડની પદ્મિની ત્યાં ઝૂલે

દ્વારે નિજ દાસીઓ સાથ :

ડોળીઓ શત સપ્ત પધારી

યવન મુકામ સમીપ ઉતારી,

રમણી સાટે રણવીર ભારી

નીકળ્યા અસિ ફેરવતા હાથ!

ગોરા કાકાશું ત્યાં ઘૂમે,

બાદલવીર! બાદલવીર!

થઈ રજપૂત સરદાર ઝઝૂમે,

બાદલવીર! બાદલવીર!

ગોરા કાકાશું ત્યાં ઘૂમે,

થઈ રજપૂત સરદાર ઝઝૂમે,

રિપુદળ ધૂળ પળેપળ ચૂમે :

રણ ધ્રૂજાવે બાદલવીર!

(૪)

હથિયારે વિજળીઓ ચમકે,

રણ ગગડાટે ધરણી ધમકે,

વીર બાળક અશ્વે ત્યાં ઠમકે,

ગણે ઘા નિજ સૌમ્ય શરીર!

ગોરો ભૂમિ પડ્યો ના ખાંચ્યો,

ભીમસિંહ મુક્ત કરીને રાચ્યો,

બળવંતા અરિને શિર નાચ્યો :

વિજયી આવ્યો બાદલવીર!

માતાએ ચુંબ્યો લઈ ખોળે,

બાદલવીર! બાદલવીર!

દુનિયા ચક્ષુ વીરત્વે ચોળે!

બાદલવીર! બાદલવીર!

માતાએ ચુંબ્યો લઈ ખોળે,

દુનિયા ચક્ષુ વીરત્વે ચોળે!

ભારત ગર્વે હૃદય હીંચોળે :

ફરી ક્યાં લાવે બાદલવીર?

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ