Vasant Rutu nu Varnan - Metrical Poem | RekhtaGujarati

વસંત ઋતુનું વર્ણન

Vasant Rutu nu Varnan

દલપતરામ દલપતરામ
વસંત ઋતુનું વર્ણન
દલપતરામ

રૂડો જુઓ ઋતુરાજ આવ્યો,

મુકામ તેણે વનમાં જમાવ્યો;

તરુવરોએ શણગાર કીધો,

જાણે વસંતે શિરપાવ દીધો.

જુનાં જુનાં પત્ર ગયાં ખરીને,

શોભે તરુ પત્ર નવાં ધરીને;

જાણે નવાં વસ્ત્ર ધર્યાં ઉજાળી,

સમીપમાં લગ્નસરા નિહાળી.

આંબે જુઓ મ્હોર અપાર આવ્યો,

જાણે ખજાનો ભરી મ્હોર લાવ્યો;

જો કોકિલા ગાન રુડું કરે છે,

વસંતના શું જશ ઉચ્ચરે છે?

બોલે મીઠું કોકિલ એક જ્યારે,

વાદે બીજા એથી મીઠું ઉચારે,

વિવાદ જાણે કવિયો કરે છે,

વખાણ લેવા સ્પરધા ધરે છે.

ચોપાનિયાં પુસ્તક જો પ્રકાસે,

ભલું તેથી નૃપરાજ્ય ભાસે;

તથા* તરુ શોભિત પુષ્પ ભારે,

તો કેમ આંબા નહિ પુષ્પ તારે?

સુશોભિતો થા હરિને પ્રતાપે,

પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;

સ્તુતિ કરી ભાગ્ય પ્રભુ સમીપે,

સુપુષ્પથી સુંદર દેહ દીપે.

અરે કીધાં ફુલ કેમ આંબે,

કર્યાં વળી કંટક શા ગુલાબે;

સુલોચનાને શિર અંધ સ્વામી,

ખરે વિધાતા તુજ કૃત્ય ખામી.

રસપ્રદ તથ્યો

* જે રાજાના રાજ્યમાં ચોપાનિયાં કે પુસ્તક પ્રગટ થતાં નથી તેને ઉદ્દેશીને આંબા પ્રતિ અન્યોક્તિ કહે છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002