પૂજાલાલ દલવાડી
Pujalal Dalwadi
(સવૈયા)
ગઈ અમંગલ-વેશ શિશિર શિર કેશ વિનાની જર્જરકાય,
મંગલ મુખડે મધુર મલપતી વસંત શી સુંદર સોહાય.
રંગરંગનાં ફૂલે ભરચક લીલી સાડી સુહાવત અંગ,
મલયાનિલને શ્વાસોચ્છ્વાસે સુગંધ-સેરો વહત અભંગ.
આંબા ઉત્તમ સોનામોરે વસંતનો કરતા સત્કાર,
લાલ ધજા કેસૂડાંની લઈ ખાખર કરતા જયજયકાર.
વસંતના કર્ણાભરણાર્થે શિરિષ લાવે નાજુક ફૂલ,
કદંબ કટિમેખલા બનાવે, કુંદ કંકણો બે અણમૂલ.
લળી લળી ઓવારણ લેતી મધુમાલતી ફૂલગુચ્છ લચેલ,
મત્ત માધવી માદક ગંધતણી કરતી પથ રેલંછેલ.
જાઈ જૂઈ શિશુના સ્મિત જેવાં કુસુમ લઈ મળવાને જાય,
બટમોગરા સમર્પે સુંદર સુમનો મઘમઘ જે મહેકાય.
કુંજ-ઘટાઓમાંથી કોકિલ વધામણાંનાં મીઠાં ગાન
ટુહૂ ટુહૂ સ્વરથી આલાપે પંચમ સૂરે ભૂલી ભાન.
વન ઉપવન ઉત્સવ ઊજવાતો, વિહંગ નૃત્ય કરંતાં ગાય,
ભ્રમરવૃંદ મધુપાન કરીને ગુણગુંજન કરવા ઊભરાય,
માનવકુળની યજ્ઞવેદીએ હવન હોળીઓ હર્ષિત થાય,
એ ઉષ્માએ આત્મ-વસંતે દિવ્ય કુસુમલક્ષ્મી લહરાય.
વસંત આવો હસંત, અંતરકુંજ કરો વિમલા વિકસંત.
શોક-જર્જરિત ઈહ-જીવનમાં રમો અમર યૌવન વિલસંત!
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
