Vasant ma Van no Dekhav - Metrical Poem | RekhtaGujarati

વસંતમાં વનનો દેખાવ

Vasant ma Van no Dekhav

દલપતરામ દલપતરામ
વસંતમાં વનનો દેખાવ
દલપતરામ

(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)

આંબા આમલી લીંમડા વડવડા, ઝુંડે ઝુક્યાં ઝાડ છે,

છત્રોની છબિ છાઈ હોય છતમાં, તેવા ઉંચા તાડ છે;

ગાયો વૃંદ હરે ફરે તૃણ ચરે, ગોવાળિયા ગાય છે,

જોતાં વનને જરૂ૨ ઉ૨માં, આનંદ સંધાય છે.

*

(ઉપજાતિ વૃત્ત)

ટોચે નવાં પલ્લવ લૂમખાં છે,

દીસે વળી સુંદર ડોલતાં છે;

કહે રૂડાં ચામર તે કવીશ,

જાણે ફરે છે વનરાય શીશ.

*

કેવાં જુઓ ફુલ કર્ણિકાનાં,

રાતાં તથા શ્વેત દિસે મજાનાં.

પ્રીતી તણા રંગથી હોય રાતાં,

સુકીર્તિથી શ્વેત હશે જણાતાં.

*

નવાણમાં નિર્મળ નીર દીસે,

આકાશમાં નિર્મળતા અતીશે;

સર્વ પ્રકારે સુખકારી આમ,

માટે કહે છે ઋતુરાજ નામ.

*

અસંત ને સંત વસંત ટાણે,

ઉમંગ તો અંગ અભંગ આણે;

તે જેમ પાંડિત્ય કવિત્વ પામી,

ખીલે ભલા લોક તથા હરામી.

*

વસંતી વસ્ત્રો તન ધારી બાળા,

સજે જુઓ વેષ રુડા રૂપાળા;

ટાણું ભલું લગ્નતણું વિચાર્યું,

જાણે સુપાનેતર અંગ ધાર્યું.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002