દલપતરામ
Dalpatram
(શાલિની વૃત્ત)
ઈંડાં લૈને કીડીયો નીકળી છે,
ટોળે ટોળે એકઠી થૈ મળી છે,
જાણે એ તો લોકને ધૈર્ય દે છે,
વૃષ્ટિ થાશે એમ તે સૂચવે છે.
પક્ષી મંડડ્યાં ગુંથવા ઘાસમાળા;
લોકો જાણે વૃષ્ટિના એજ ચાળા;
કાચિંડાને રંગ રાતો ચડ્યો છે,
કંકૂપત્રી વૃષ્ટિની લાવિયો છે,
કોઈ ઠામે દેડકાં બૂમ પાડે,
લોકોને શું ધૈર્ય એ તો પમાડે;
મીઠા કેરા પાત્રમાં થાય પાણી,
લોકે લીધું વૃષ્ટિ થાવાનું જાણી.
(વસંતતિલકા વૃત્ત)
પાંખે કરી ચકલીયો ૨જ અંગ નાંખે,
જાણે નિમજ્જન કરે નિજ અંગ આખે;
એવે મિષે મનુષને મન ધૈર્ય દે છે,
વૃષ્ટી થવાનું શુભ કારણ સૂચવે છે.
જાણ્યું થયું મિલન ભાસ્કર કર્કરાશિ,
છે કર્ક જાત જગમાં જળના નિવાસી;
જેવો સુસંગ ક૨શે શુભ તેનું કામ,
એવું વિચારી જન લે મનમાં વિરામ.
(ઇંદ્રવજા વૃત્ત)
જો આ વળી આભ જણાય રાતો, વર્ષાદ આવ્યાની નિશાની આ તો;
ઇંદ્રે કર્યો ઓચ્છવ હોય રૂડો, આકાશમાં જેમ ગુલાલ ઉડ્યો.
આકાશમાં સુંદર મચ્છ તાણ્યો, જોતાં હવે મેઘ સમીપ જાણ્યો;
શું ગ્રીષ્મના સામું ધનુષ્ય તાણ્યું, નસાડવાને ઉ૨ વૈર આણ્યું.
ઊંચી જગોએ વનમાં ટિટોડી, ઈંડાં મુકે તો નહિ વૃષ્ટિ થોડી;
શું એટલે સુધી થવાનું પાણી, ઈંડાં મુક્યાં હોય ભવિષ્ય જાણી.
જો વીજળી આ ઝબકે ઈશાની, તે સદ્ય વર્ષાદ તણી નિશાની,
જાણે થઈ ઈશ્વર કેરી દૃષ્ટિ, તેથી થશે વિશ્વ વિષે સુવૃષ્ટિ.
જો ચંદ્રને આ જળનું કુંડાળું, આકાશમાં આજ દિસે રૂપાળું;
આડી રુડી સૂર્યમુખી ધ૨ી છે, ચઢાઈ શું મેઘ નૃપે કરી છે.
વેપારી વિદેશ થકી વળે છે, કુટુંબને આવી સુખે મળે છે;
જાણે સુણી બે લડનાર રાજ, સંભાળ લીધી ઘર કેરી આજ.
(વસંતતિલકા વૃત્ત)
આકાશ સ્વચ્છ નથી કાંઈક શ્યામતા છે,
તારા શશાંક પણ સ્વચ્છપણું તજ્યા છે;
જાણે વડા નરપતિતણી વ્યાપી છાયા,
ઝાંખા પડી અવર ભૂપતિઓ દબાયા.
જો ઘંટનાદ બહુ દૂર સુધી સુણાય,
ઉંડાણથી નિકળતો સ્વ૨ સૂક્ષ્મ થાય;
જાણે કર્યું અશન તાંબુલનું ગવૈયે,
તેથી ઝીણો સ્વર ઉઠ્યો મન ધારી લૈએ.
સંચારતા જન જુઓ વળી છાપરાંને,
મંડ્યા નવીન ઘરને ઝટ ઢાંકવાને;
જાણે વડો નરપતિ પુરમાં પધારે,
શોભાવવા પુર વિશેષ ઘરો સુધારે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
