કલાપી
Kalapi
ભૃં ભૃં ભૃં ગુંજ પ્રેમી ષટપદ કમલે અર્ધ ખીલ્યું રહ્યું એ
જો તે બાલાર્ક ઘેલો નિજ કર જલમાં ધ્રૂજતો આ ઝબોળે!
માની પ્યારી મનાવે મુખ પર ખરતાં આંસુડાં લૂછતો એ,
અંકે લીધી, હસાવી, નરમ વચન એ નેત્ર કેવાં વદે છે!
કાન્તા ને કાન્ત હીંચે, તનમન દ્વયનાં એક છે સ્નેહભીનાં,
નાનાં મોટાં સુરંગી મકર ચળકતાં હીંચકાવે રસીલાં,
રાતી નીલી મધુ પી કુમુદિની પરથી ફૂદડી રંગવાળી,
પીળો પ્યોરો હિમાંશુ નિરખી લટકતો બાપડી ચીમળાઈ!
કુંળું મોં એ છબીલું હૃદયજ્વરબળાપે નીચાણું નમ્યું છે,
કંપે બાલા બિચારી થરથર, બદને સ્વેદની રેલ ચાલે;
આહા! સ્નેહી! તમારે જલ પર વસવું સાથ છો રાતદહાડો,
જુદાં પ્રેમી તમારાં દિલ પણ અળગાં, આમ રોવો હસો છો!
ત્યાં પેલું જો હરિણું નદતટ પર એ ચાવતું ઘાસ નીલું,
આછાં રૂડાં રૂપેરી કિરણ રવિતણાંએ બધું ઘાસ છાયું;
વૃક્ષોનાં ઝુંડ ઊંચાં પર ઢળકી રહી વેલડી કુમળી જો,
પુષ્પોના પુંજ ઝૂમ્યા વિવિધ વિલસતા આ રૂપાળા લળ્યા,જો!
કુંજોમાં ત્યાં ઊડંતું બુલબુલ રમતું બેસતું ને ફરંતું;
ઓ! ત્યાં બેઠું લપી ચંડુલ ગુલ પર જો વાણી મીઠી લવંતું;
ત્યાં આકાશે પડ્યો છે સ્થિર ઘનકટકો શ્વેત ને પિંગળો તે,
તેજસ્વી એ ડગે છે નિજ રૂપ બદલી, શાંત પાછો થયો છે.
તારો તૂટ્યો નભેથી ખરર કરતો, તોપગોળો વછૂટ્યો,
રાતો વહ્નિભભૂકો ભડભડ બળતો આભમાં ઊડી ચાલ્યો;
ગંગાનો ધોધ ફાટ્યો ગિરિશિર પરથી, રામનું બાણ છૂટ્યું,
તેવો તે શૃંગવાળો મૃગ જલઝરણું ફાળથી કૂદી ચાલ્યો!
ઊભો ત્યાં સિંહરાજા ઘરઘર ઘરરે, જોરથી ત્રાડ દેતો,
ડોલાવ્યા ડુંગરોને, રવિ પણ ચમક્યો લાલ અંગાર જેવો;
પક્ષી બોલે ન ચાલે, દ્રુમ પણ ધણણ્યાં, પૃથ્વી ધ્રૂજી રહી આ,
આ તે બ્રહ્માંડ ફાટ્યું! પ્રલય થઈ ગયો! શંભુએ શંખ ફૂંક્યા!
આલિંગે ભવ્ય લીલા નદસરજલને પ્રેમમાં મસ્ત ડોલે,
ઊડી બાઝે સુસ્નેહી હૃદય હૃદયના સત્ત્વને જેમ પ્રેમે!
ઘેલો હુંયે રમું છું! તનમન લપટ્યાં! રમ્ય છું, એક હું છું;
વેલી, વૃક્ષો, નદી ને ગિરિ, નભ, ઝરણે, લીન હું સર્વદા છું.
સ્રોત
- પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : અનંતરાય મ. રાવળ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 2004
