નર્મદ
Narmad
(દોહરો)
પુરુષ પ્રકૃતિ શિવ શક્તિ જે, રસરંગે ભરપૂર;
દીજે વર મતિ શુભ તરું, વ્હેમનદીનૂં પૂર.
(લલિત)
અરર અંબિકા માત માહરી, અરર રોતિ હૂં શોકથી ભરી;
હ હ હ શૂં કહૂં પીડ પેટની, ધાડ ન આવતી કેમ ઠેઠની?
અબળ જાતિ હૂં લાજથી ભરી, પણ હકીકતો કેહવી ખરી;
મન વિષે ઘણી રે મુઝાઉં છૂં, અતિસ ઊભરો આજ કહાડું છૂં.
બહુ અધીર ને શૂરિ હૂં બની, થઈશ આકળી બોલવે ઘણી;
બળતરા બહૂ કહાડતાં અરે, કદિ ચુકીશ હૂં બોલતાં ખરે.
શરમ લાજને મૂકિને ભણૂં, વિધવાને પડ્યૂં દુ:ખ જે ઘણૂં;
કરી ખમા અરે દીલમાં ધરો, અબળા દુઃખને દૂર રે કરો.
સમજિ હૂં નહીં કોણ તે વર, સમજિ ના દિધો કૂમળો કર;
વર અને વહૂ લગ્નથી મળ્યાં, વગર અર્થના શબ્દ તે બળ્યા.
વરસ તેરની જે સમે થઈ, ચિતનિ ચેતના તો ઉડી ગઈ;
સહિયરોતણી વાત સાંભળી, હું ચરચાઈ તો તેથિ રે બળી.
સઘળિ બેનિયો ચ્હેનમાં ફરે, ધણિઘરોતણી વારતા કરે;
પગ વિષે બહૂ જોર તે ધરે, સરવ નેનને મોહથી ભરે.
ગુપચુપે કરે વાત માહરી, દલગિરી ઝરે અંગથી ખરી;
નિરખિ મૂજને દીનતા ભરી, હરઘડી જુએ તે દયા કરી.
જઈ કરી પુછ્યૂં માતને ભલી, ‘જઈશ કે દિ હૂં સાસરે વળી';
પુછવું સાંભળી ઢાંકિ મૂખને, રડિ વિલાપથી જોઈ કૂખને.
પણ સમાવિ તે નીજ શોકને, રડતિ તેણિયે રાખી રે મ્હને;
સમજિ હૂં પછી સંધિ વાતને, કરમ ફૂટ્યું તે વંઠિ જાતને.
વય વિષે વધી જેમ જેમ રે, બળિ બળી થઇ તેમ તેમ રે;
અહરનીશ રે ઝંખના દમે, વરતણી કથા ચિત્તમાં રમે.
જણતિ તો મ્હને દે શિખામણ, 'વૈધવધર્મનૂં રાખજે પણ;
‘ઘરની બ્હાર તૂં ના જઈશ રે, પુરુષસૂં કદી ના વદીશ રે';
‘ઘરખુણો અરે પાળવો રિતે, ભણવિ નીતિની વાતને નિતે;
'સખીપણાં કદી ના કંઈ કર, સહનતા ઘરી છાંડજે છર;
ઘરગુલામ તો હું થઈ રહી, ઘરનિ ગાય રે દુઃખની સહી;
શું ચરવા નહીં ગાય છૂટતી? પણ સદાની રે કેદિ હૂં હતી.
પુરુષ જે સગા ઘેર આવતા, સજનસૂં નહીં ભાષણો થતાં;
ઘરતણૂં સહૂ કામ હૂં કરૂં, ઘરવહીતરી દુઃખિ રે ફરૂં.
ઋતુ મને થયો પ્રાપ્ત જાહરે, દિવસ તે પછી મંન ના ઠરે;
ધિરજ તો ગઈ સામટી અરે, ચરચરી બળી દેહ તો ખરે.
ઘરનું કામ તો આટપી કરી, કદિ હું બેસતી બારિયે વળી;
પુરુષ દેખતાં ફૂટડા બહૂ, મન વિંધાય શું માહરૂં કહૂં.
કબજમાં બહૂ રાખિ જેમ રે, અતિસ ઊલટી વાધિ તેમ રે;
ભણિ હું ભાવથી બેનિયોથકી, કરમ ભૂંડં ને રે ગઈ છકી.
નજર ચૂકવી માતની જતી, નિમિત કહાડિને બ્હાર રેહતી;
પણ નિરાંતથી ત્હાં ન રે ઠરૂં, ઠરૂં ન કાળજે પાપિ હૂં ઠરૂં.
બહુજ બ્હીકમાં કાજ જે બને, તૃપત ના કરે તંનમંનને;
ચિત ન કામમાં કોઈ રે ઠરે, મનવિષે ઘુમે જાર ઠેઠ રે.
વળિ પ્રસંગ બે આડિ રે ચળી, સમજિ હૂં પછી પ્રીતની ગળી;
ઉલટિ રે વધી ભૂખ ના ટળી, છ સુરતી થયે ગર્ભ હું રળી.
ઋતુસરાવ તો વેહતો ઠર્યો, વદન છાતિનો રંગ તે ફર્યો;
સમજિ મંનમાં માત માહારી, ધમકિ દીધિ ને બાંધિ બાકરી.
હું પસતાઈને બ્હાવરી બની, જણતિ તે ખરી શોકમાં ઘણી;
વિવિધ રીતનાં ઓસડો દિધાં, શરમ લાજથી ઝટ્ટ મેં પિધાં.
ગરભ તો ગળ્યો હું છુટી થઈ, પણ પછી ખરે ચોર થૈ રહી;
અતિસ સખ્તિ તો માવડી કરે, મનવિષે બહૂ દુઃખ તે ધરે.
હું ન ચળૂં છળૂં આડિ ના ફરૂં, પણ સદા બહૂ નીતિ આદરૂં;
તજવિજો સહૂ તેવિ મા કરે, બબડતી અને રોતિ તે ફરે.
તજવવા અરે વેશ માહરો, સમય શોધતી આણવા મરો;
હું ગભરાઈ રે મનમાં બહૂ, સમજિ માતણી ધારણા સહૂ.
ગુરુપુરાણિથી પાઠ હૂં ભણૂં, ભજનમાં ધરૂં ચિત્ત રે ઘણૂં;
સુરુપ દેખિને ગોર તો ચળ્યો, બહુ જ જુક્તિની વાતમાં વહ્યો.
બિનિ હતી બહૂ તેથી ના ભણી, ધમકિ ગોરને દીધિ મેં ઘણી;
(પણ) મન ગમે ખરું તેથી આખરે, ગુરુવિનંતિને ઝીલિ મેં ખરે.
સરસ રંગનો પ્રેમ આદરી, સુરતિ મ્હાલિ હૂં મોટિ ઠાકરી;
દિ ગળતા રહ્યા તે ન જાણું હૂં, દુ:ખડું પેટનૂં જોરથી સહૂં.
પ્રભુ કળા અરે ઢાંકિ ના રહે, તરત ચિન્હ તો સર્વ રે લહે;
ઘર વિષે સહૂ ધિઃક તો કહે, બળતરા બહૂ જીવના સહે.
સહુ વિચારતાં ઝેર આપવા, જુગતિ તો કરે અંત આણવા;
મમત જન્મથી ભારિ રે હતો, કુડ વિચાર તે તો ફરી જતો.
બહુ દવા લિધી કે ક્યમે ઝરે, પણ સર્યૂં નહીં કોઈ કાજ રે;
ત્રણ અને વળી માસ એક રે, ગરભ ને થયા જાય ટેક રે.
બહૂબહૂ મથે ગર્ભ ના ગળે, અતિસ બાપનૂં કાળજૂં બળે;
ઘરનિ વાતથી દાઝતો બહૂ, અતિસ આકળો ટેકિલો કહૂં.
‘તિરથ જાતરા જાવું છે અરે, દિકરિવેશ તો કહાડવો મરે;’
નિમિત કહાડિને જૂઠું રે કહી, (હમે) દિકરિ માત બે નીકલ્યાં સહી.
અટણ તો થયૂં માસ પાંચનૂં, તિરથ જાવું તે માત્ર નામનૂં;
નવ પૂરા થયે બેસતે દશે, ગરભનૂં પછી શૂં હવે થશે.
અરર વાટમાં ચાલતાં થયો, પ્રસવ પુત્રનો ના દિઠો ગયો;
અહહ કૂમળો રૂપ શૂં રૂડૂં, અરર ધિઃક હૂં મેં કર્યું ભૂંડૂં.
તરત ઓરથી મૂખ ઢાંકતી, જણતી ભૂંડી જે સોડમાં હતી;
‘ન ન ન’ મેં કહ્યૂં હાથને ધરી, પણ તછોડિ તે મૂકતી છરી.
ત્રણ ઘડી લગી હૂં અચેત રે, કંઈ ન જાણ્યું મેં કહાં ગયો અરે;
જણતિ પાપિણી ફેંકિ આવિ રે, રડતિ તે ખરે આંસુ લાવિ રે.
૫છિ ગયાં હમે જાતરે વળી, તિરથ જોઈને ગાભરી ઠરી;
દુખ શું વીસરૂં પુત્રનૂં અરે, દુખ બિજૂં કને આવતૂં ખરે.
સમય તો દિઠો આવતો બુરો, અરર વેશને કહાડવો પુરો;
મુંડણ જે સમે મ્હારૂં રે થયૂં, શરિર સામટૂં સોસિ તે ગયૂં.
સમય તે હજી હૂં ન વીસરૂં, અરર હાય હૂં કેમ ના મરૂ;
કરિ વિલાપી ને ચીસ પાડતી, ગઈ હજામની પાસ લાજતી.
કરમ ચૂડિનૂં રે વળી થયૂં, કરમ ફૂટિ રે તે દિને ગયૂં.
વર મુઓ હું તો જાણૂં તે દિ રે, અરર કોઈ ના રાંડશો જિ રે.
તિરથ કામને આટપિ જિને, નિકળવૂં વળી ઘેર જે દિને;
ઘરથિ ખેપિઓ આવિને ઉભો, દુખથિ બાપડો બાપ તે મુઓ.
ખબર સાંભળી દુઃખ તો કર્યાં, અધમ દીલ તો શોકથી ભર્યા;
ધિરજ મંનમાં આણિને ફર્યાં, દિવસ સારિ ને ઘેર સંચર્યા;
અતિસ પા૫ જે રે કર્યા હતાં, જણતિને સહૂ ભારિ સાંલતાં;
રડતિ વાટમાં મા મરી ગઈ, પછિ હું બાવરી એકલી થઈ.
ઘણિ મુસીબતે ઘેર આવિ રે, ઝટ હું ઓટલે વ્હેલિ ધાઇ રે;
વળિ પછાડિઓ ભારિ ખાધિ રે, દુ:ખ સમુદ્રમાં ઠેઠ લાધિ રે.
સહુ કુટુંબ ને નાતિલાં મળ્યાં, દરદ જોઈને દુઃખથી ગળ્યાં;
હડડ તો કરી ઓછ ના મુકી, અધમ પાપિણી ખૂનિ હું ચુકી.
પછિ દયા કરી દુઃખ જોઈને, 'કરીશ શૂં ભુંડી છોડિ રોઈને;’
‘પડિ શિરે હવે સોસવૂં ખરે’, કહિ કરી વળ્યા લોક ઘેર રે.
પિહરમાં મને પોતિકાં નહીં, દુર સગાં સહૂ દુશ્મનો સહી;
દિકરીઓ કને ના જવા દિએ, બગડશે રખે મંનમાં લિએ.
ન ગમતૂં મને સાસરે જવૂં, વર મરી ગયો તેથિ તેહવૂં;
ઘર વિષે રહૂં એકલી અલી, સહુ જ બોલશે અન્યથા વળી.
મન વિચારિનો કાકિને કહ્યું ‘જ જ જ શંખિણી’ બોલિ તે સહ્યું;
બહુ બિજાતણૂં બોલવૂં થયૂં, મન મનાવિને સર્વ તે ખમ્યૂં.
વળિ વિનંતિ મેં પાછિ કાકિની, કિધિ ઘણી અરે ડાહિ દક્ષણી;
‘સમજ છોકરી રે ન રાખું હૂં, મરજિ હોય તો સાસરે કહૂં.’
ઠિક મને કરો સાસુ હાથરે, જબર છે બહૂ સર્વ સાથ રે;
‘કહીશ સાસુને’ કાકિ બોલી રે, શિખ દિધી કંઈ દીલ ખોલિ રે.
(પણ) શું સસરો અને સાસુ માનશે? વગર કારણે ખેન હોરશે?
શું ઉપજાવશે સૂળ હાથથી ? શું સખણી વહૂ રેહ જાતથી?
અતિશ આર્જવો કાકિએ કર્યા, શ્વશુર સાસુથી વેણ નીસર્યા;
જુકતિ કીધિ રે કાકિએ ઘણી, સમજિ સાસુએ ‘હા’ વળી ભણી.
અહરનીશ રે સાસરે રહૂં, હરઘડી સહૂ વેણ હૂં સહૂં;
બહુ બહૂ સહૂં બ્હાર ના કહૂં, સરવ વાતને મંનમાં લહૂં.
જ્યમ પિહેરમાં તેમ સાસરે, વધતૂં ઉલટૂં સાસરે ખરે;
દુખ પડ્યું વળી તાંહ જે બહૂ, જુલુમની કથા શી કહૂં સહૂ.
અતિસ લાંબિ મેં વાત છે કરી, પણ હજી રહી છે બહૂ ખરી;
પણ હવે અરે આટપૂં છઊં, સમજજો ટુંકામાં ઘણૂં કહૂં.
વરસ બે વિત્યાં વેણ સાંભળે, ગુજરિ મૂકું તે કેમ આભલે;
વર હતો ભલો જે નણંદનો, ઘરજમાઈ તે રંગિલો ઘણો.
નણદિ જહાં સુવા તે કને જતી, મજ સુવાતણી કોટડી હતી;
વળિ રમે રંગ બહુ રોજ રે, હું તડમાંથિ તે જોતિ મોજ રે.
અરર પાપિણી જોઈ રોતિ રે, કરમ હાથ હૂં મુકતીતિ રે;
મરિ ગઈ નહીં મોતને તિરે, ભળ તરી ક્યમે ઊતરૂં તિરે?
પુરુષ તે ગમ્યો ફાંકડો મને, ગમિ હું તેહને ખૂબ રે બને;
બહુ જ વાત તો રોજ રે બને, બહુ જ વેળ તો રેહ તે કને.
વિતિ હતી વળી સાંભરી ખરે, પુરુષ પ્હેલ તો નિત્ય તે કરે;
રમિ હું રંગ તે નીતિ ભંગ રે, હલકું તો થયૂં સર્વ અંગ રે.
વરતિ દુઃખની ખાડિમાં પડી, વરતિ ગર્ભને ભારિ રે રડી;
વિવિધ ઓસડો દાયણોતણાં, અમસતાં કર્યાં બીકથી ઘણાં.
અળગિ જૂઠિ હૂં બેસતી ખરે, તજવિજે છુપૂં રાખતી અરે;
જ્યમત્યમે કરી માસ ચાર રે, વળિ નિભાવિયૂં એમ ધાર રે.
દશ ઉણા રહ્યા પાંચ માસ રે, થરથરી અને મૂકિ આસ રે;
છુપું ન રેહ ને જાય લાજ રે, કરૂં ઉપાય તો કાલ આજ રે.
ભયથકી અરે નાસિ હૂં ગઈ, ગઈ તળાવમાં ડૂબવા અઇ;
ખિલિ હતી બહૂ ચંદની જહીં, ન અજવાળું રે મંનમાં કહી.
મરદ એક મેં ત્હાં દિઠો ખરો, થઈ હું ગાભરી જોઈ આકરો;
કંઈ વિચારતી એટલે ઢળ્યો, મુજ કને ધસી આવિ તે રહ્યો.
પછિ મને ખુણે તેડિ તે ધસ્યો, કરમ જોરથી આટપી ફસ્યો;
અતિશ્રમે કરી છોકરૂં જણ્યું, અધુરૂં કૂમળૂં ગોરૂં તે ઘણૂં.
મરણતુલ્ય તો હૂં થઈ રહી, ચિતની શુદ્ધિ તો રે ગઈ વહી;
અધુરૂં છોકરૂં જો ન જીવતૂં, પગથિ ચાંપ્યું મેં ત્રાસથી હતૂં.
ખટપટો થતે વ્હાણું વાયું રે, રહિત શુદ્ધિ હૂં કાંહ જાઉં રે;
લઈ ગયો મને ચોકિદાર તે, બહુ બિવાડતો વાટમાં જતે.
નર હરામિ તો નાસિ રે ગયો, રહિ જ એકલી જીવ કાં રહ્યો?
‘ધરતિ માગ તૂં આપની અરે, તરત પેસી હૂં જાઉં રે ખરે’.
લઈ હૂં છોકરૂં ચાલતી હતી, સરવ લોકની ભીંડ તો થતી;
નગરમાં બહુ ત્રાહ્ય ત્રાહ્ય રે, હહહ હો હે હો હોય થાય રે.
કહિ જ વાત મેં કોટવાલને, શરમ લાજને ઉંચિ મેલિને;
કરમ તો કર્યાં મેં હિણાં ભુંડાં, મરતિ હૂં નથી માર તૂં રૂડા.
વિગત વાતને સાંભળી સહૂ, હૃદય સર્વનાં પીગળ્યાં બહૂ;
ઘટતિ આસનાવાસના કિધી, ઈસપિતાલમાં મોકલી દિધી.
વિવિધ વેણથી કોટવાલ તો, સકળ લોકને શીખ આલતો;
‘કંઈક રીતથી મંનમાં ધરો, ફરિથિ રાંડિનાં લગ્ન રે કરો’.
‘નફટ હિંદુની ચાલ છે અરે, શરમ રે હિણા હિંદુઓ ખરે’;
‘અબળ દુઃખથી કેમ ના રૂઓ’ અધમ પાપને કેમ ના જુઓ?
તરત તો સહૂ હા ભણી ગયા, વળતિ તેમના તેમ તે રહ્યા;
ગઈ જ લાજ રે બાકિ ના રહી, સઘળિ વેદના હિંમતે સહી.
હું મહિને ત્રણે બ્હાર નીકળી, જઈ કરી ભલા મુખ્યને મળી;
રુડિ શિખામણો તેમણે દિધી, ઉંડજિ નીતિ મેં મંનમાં લિધી.
મુક્ત કેદમાં નક્કિ જાણતી, બહુ વિચાર હૂં મંન આણતી;
પ્રભુતણો અને કોટવાલનો, દિલથિ પાડ હૂં માનું છૂં ઘણો.
હમણાં ન્યાતની બ્હાર છૂં અરે, ફિટફિટો સહૂ થાય છે ખરે;
ઘણું શું બોલું રે ધિઃક ધિઃક રે, ઘણિ જ પાપિણી ભોળિ છેક રે.
મજ કને નહીં કોઈ માણસ, ઉદર વ્હેરતી કર્મ કાનસ;
રડતિ કર્મને પોક મૂકતી, અરર હો પ્રભૂ શી હવે ગતી.
થઈછું ઊંમરે વીસ ને ત્રણ, મરણ તો નથી આવતૂં પણ;
છું કસુવાવડે રોગિ હૂં અરે, ખબર દીનની નાત લે ન રે.
રઝળતી ખરી રોજ રે ફરૂં, ઘણિ ઘણી અરે વાત સાંભળૂં;
નરસિ ને વળી સારિ તે પણ, પણ દિલે પરું નીતિનૂં પણ.
નિયુસપેપરો વાંચકા સુણૂં, મન વિષે બહૂ ચેવટો ધરૂ;
અબળ રાંડિની વારતા સુણૂં, મન વિષે બહૂ ઊલટો ધરૂં.
અધિપતી કને શોધિને ગઈ, સરવ વીતિ તે સામટી કહી;
રહું છું તે કને રોજ હાલમાં, સમજિ મ્હાલું છૂં નીતિમાળમાં.
‘સમરિ હૂં છઊં ના હવે ચુકૂં, પણ હું નીતિનૂં ના હવે મુકૂં;
‘સઘળિ પાસથી હૂં ઘડાઈ રે, સરવ મારથી હૂં છુંદાઈ રે.’
‘પરણવું નથી માહરે હવે, અવર રાંડિઓ તે બળે દવે’;
‘કંઈ કરો અરે રોય રે દુખી, ઝટ કરો અરે લોક એ સુખી.’
‘ગરિબ રાંડિને દુ:ખ છે ઘણાં, સઘળિ પાસથી ખાય મેહણાં’;
‘સુકન ના જુએ કોઈ તેમના, હડહડોતણી નહિં રે મણા.’
‘નરસિ વાતમાં હૂં ન એકલી, સહુ જ રાંડિ તે તેવી ભલ્ભલી;’
‘ચ્હુલ મટોડિની ઘેર ઘેર રે, સહુજ રાંડિઓ પાપિણી ખરે.’
‘ઈશકભૂખિ કો દ્રવ્યભૂખિ રે, વિવિધ રીતથી રાંડિ લૂખિ રે;’
‘દરદ જે હમે બોલિયે છિયે, સમજિ લોક રે દીલ લીજિયે.’
‘ઘણિ જ દુર્દશા છે અમારિ રે, સજન લો તમે તે વિચારિ રે;’
‘કહિ જ રાંડિની પીડ માંડિને, વળી કહૂં સુણો કાન માંડિને.’
‘અભડવા જવૂં રોજ રોજ રે, સરવ રાંડિની એ જ મોજ રે’;
‘તજિ જ લાજને રાજિયા અરે, ગજવવા પિટી બોલિ હાય રે.’
‘શૂભ સહૂ બને કાજ જેહ રે, થડથકી અરે હાંકિ દે ખરે;’
‘શું અપરાધ તે રે હમે કીધાં? ગરથ શા હમે રે લુહી લિધા?’
‘પુરુષનૂં બને કેમ લગ્ન રે? વહુ મરી ગયે તે ફરી અરે?’
પશુથકી હમે શૂં અરે ગયાં? સમજિ નાતરાં તે કરો કહ્યાં.’
‘દુખ અનેક ને સંકટો પડે, દિવસ કેમ તે જાય રે રડે;’
‘પતિ વના બિજા કોનિ આગળ, અરર વાંચિએ દુ:ખ કાગળ.’
‘ઘર ખુણે રહી રોઈયે નિતે, નથિ જ જાણિયે સર્વ સૃષ્ટિ તે;’
‘બકરિની પઠે બૂમ પાડિયે, રિત કસાઈની પાળિ સાંખિયે.’
‘હહહ હાય હા હાય હાય રે, મરિ ગયાં અરે જીવ જાય રે.’
‘અરર છૂટિએ પાડ માનિયે, જિવ નથી જતો કેમ રાખિયે?’
‘જનમ વેળ રે કાં મુઆં નહીં? વરનિ સાથ રે કાં મુઆં નહીં!’
‘શરિર રોગથી કાં મુઆં નહીં? જ્યમત્યમે કરી કાં મુઆં નહીં?’
‘અરર મા અને બાપ ભાંડુઓ, દુખ તમે અરે કેમ છો જુઓ?’
‘વિખ તમે અરે કાં ન દીધું રે? અરર મોતને જોત સીધું રે?’
‘શું કરિએ અરે આત્મઘાત રે? શું કરિએ અરે બાળઘાત રે?’
‘શું કરીએ અરે જારકર્મ રે? શું ભુલિએ અરે ધર્મમર્મ રે?’
‘પુરુષ દેહ શૂં ભાગ્યશાલિ રે? અબળ નારિની શૂં નકારિ રે?’
‘સરજિઆ તમે પુણ્યકારણે? સરજિઆં હમેં પાપકારણે?’
‘પશુદયા તમે તો કરો બહૂ, અમતણી ક્યમે ના કરો સહુ;’
‘બહુ જ દીનને દાન દો ખરે, ગરિબ-રંકને દોષ દો અરે.’
‘મનુષજાતમાં ઊંચ નીચ જે, સરવ માનવી કલ્પના જ તે;’
‘પ્રભુતણે મને સર્વ એક છે, પતિત તે વળી નીચ છેક છે.’
‘અગર રાંડિ જો માંડતી થશે, ફરક ઊંચ ને નીચનો જશે;’
‘નહિં જ બોલવૂં એવું સજ્જન, પતિત આપણે નીચ દુર્જન.’
‘કહિ જ આજ તે રીત ચાલશે, સરવ નાતની કીર્તિ વાધશે;’
‘થઈશું ઊંચ રે નીચથી ટળી, જન સહૂ સુખી આશિષે વળી.’
‘દિયરસૂં થતાં રાંડિ નારનાં, પુરવ કાળમાં લગ્ન લાડનાં;’
‘બહુ સુધા હતા તે સમે સહૂ, પરણતી ખરી વધવા કહૂં.’
‘કળિયુગે બહૂ પાપ થાય છે, રતન બાળકો તો મરાય છે.’
‘ભયથિ સ્ત્રીતણા જીવ જાય છે, ઘર કુટુંબમાં હાય લ્હાય છે.’
‘સમય દેશને લો વિચારિ રે, સરવ શાસ્ત્રના ગ્રંથ ધારિ રે’;
‘સરસ પુણ્ય તે લાભકારિ રે, સમજિને કરો કામ જારિ રે.’
‘હું લવિ હોઉં જો કાંઈ ઊલટૂં, કરિ ખમા અને લેવું સૂલટૂં’;
‘કરવું માનિને હૈયું ખૂલતૂં, ભરિ ઝરો દયા રાખિ ઝૂલતૂં.’
‘વિધવા લગ્નની વાતથી ઠરો, અમલમાં હવે આણતી કરો’;
‘શુભ ઉપાય તે ઝટ્ટ આદરો, જય જયો કરી સ્વર્ગ સાંચરો.’
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
