uma maheshwar - Metrical Poem | RekhtaGujarati

‘અરે ભોળા સ્વામી! પ્રથમથી હું જાણતી હતી,

ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.

જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈઃશ્રવસ, ને

વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો,

લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમસમ લીધો શંખ ધવલ,

અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો,

બધાએ ભેગા થૈ અમૃત, તમને, છેતરી, પીધું

અને —’ ‘ભૂલે! ભૂલે! અમૃત ઉદધિનું વસંત શી?

રહી જેને ભાગ્યે અનુપમ સુધા અધરની !’

‘રહો, જાણ્યા તો જગ મહીં બધે છેતરાઈને ૧૦

શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં.

બીજું તા જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો?’

‘બન્યું તો એવું કની સખી! તહીં મંથન સમે,

દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,

અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,

મને મારા કંઠે મન થયું બસ્ રંગ ધરવા, --

મૂકી જો, બાહુ ઘન મહીં વિદ્યુત્ સમ દીસે!' ૧૭

તહીં વિશ્વે આખે પ્રણયધન નિ:સીમ ઊલટ્યો

અને આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું! ૧૯

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ - 1 (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973