ujjaD bagichaman - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉજ્જડ બગીચામાં

ujjaD bagichaman

સુન્દરમ્ સુન્દરમ્
ઉજ્જડ બગીચામાં
સુન્દરમ્

તને હજી બાગ હું કહીશ, આજ જો કે અહીં

સપાટ સઘળું, બચ્યું નથી નિશાન એકે તે

લતા કુસુમકુંજનું, નિત વસન્તના બ્હારનું.

ચમેલી અહીં ઝૂલતી, હસત ત્યાં હતો મોગરો,

તહીં ઝુકત પારિજાત, અહીં રાતરાણી વળી,

અને મઘમઘંત કૂપ તણી પાસ શો કેવડો

વડો સરવમાં ઉદાર દિલ કેરી ખુશ્બૂ વતી.

સ્મરું સ્મરું હું કેટલું? ઉજડ ઠામ ભૂતની

સમૃદ્ધિ નવપલ્લવોની ભરચક ભરી દે દિલે :

યદા લઘુ કિશોર હું ઉર ભરી કંઈ કૌતુકો

ફરંત તવ વીથિમાં સુહૃદ સંગ સંધ્યા કંઈ.

અને મસળતા અમે હરિત પત્તીઓ મેંદીની,

હથેળી રસ-ભીનીને ધરત નાક અન્યોન્યને,

ઉઠંત પુલકી કશા મધુર તિક્ત ધ્રાણથી.

અહો પુલક એ! અહીં રણ સમાન લુખ્ખા સ્થળે,

ક્રમે રણ સમ થતા હૃદયમાં મહેારી ઉઠે

વસંત મુજ પ્હેલી ઉર કિશોર ઉદ્યાનની.

તને હજી બાગ હું કહીશ, સ્થાન વેરાન ઓ!

(૧૯૩૮)

સ્રોત

  • પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1951