ઊગ્યું પ્રભાત નમણું
Ugyu Prabhat namanu
રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી
Ramprasad Premshankar Bakshi

ઊગ્યું પ્રભાત નમણું નયનોય ખૂલ્યાં
દીઠાં સુરમ્ય સુમનો દ્રુમવેલ ખીલ્યાં
મીઠા સુણ્યા કલનિનાદ વિહંગમોના
માણ્યા સુહૃદસ્વજનના ઉરભાવ મોંઘા-
ઊગી ઉષા અવર, બે નયનોય ખૂલ્યાં
ને સૃષ્ટિ અંકમહીં ઝૂલી રહ્યાં રસીલાં.
મધ્યાહ્નનો રવિ તપ્યો; ઉરતાપ વાધ્યો :
- આરામ તપ્ત ઉરને અભિરામ લાધ્યો.
છાયા રચી રહી શિરે અમરાઈ ઘેરી
માણી તદા મધુરતા ઋતુરાજ કેરી -
પ્રેમપ્રમોદ સહકારતણો પિછાણ્યો
શીળો ઉરદ્વય તણો સહચાર માણ્યો.
સંધ્યા નમી; હૃદયના પરિતાપ શામ્યા
ને શાન્ત સાત્ત્વિક સમુન્નત ભાવ ભાવ્યા;
થાક્યા હતા ચરણ ને હતું ચિત્ત થાક્યું
વિશ્રામ કાજ નિજ ધામ પ્રયાણ વાંછ્યું-
ક્યારે હવે અમિત ઓઢણ આભ ઓઢી
પંચક પાવક પરે સખિ જઈશું પોઢી



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 129)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ