udadhine - Metrical Poem | RekhtaGujarati

(પૃથ્વી)

મને ઉદધિ! માન છે પૃથિવી આખી વીંટી વળી

અગાધ, ગરજ્યા કરે તું અવિરામ કો ઘોષણા!

ઉરે પ્રગટિયા પ્રચંડ અનલો કંઈ ઢાંકીને

સદા ઉપર તો અનંત લહરી સ્મિતોની ધરે!

વસ્યાં તુજ નિવાસથી કંઈ ઊંચે શું ગર્વથી

કદી તું પર આક્રમે જગતનાં બીજાં ભૂત તો,

બધી ખળભળાવી નાંખી દુનિયા મહાગર્જને

ગિરિગિરિ સમા તરંગ ઉપરે તરંગો તણાં

ભયંકર ઉછાળી લશ્કર, ટકી નિજ સ્થાન ર્હે!

મને સુબહુ માન એનું! પણ સ્નિગ્ધ આશ્ચર્ય કે

- સદા વિહસતો મહાન શશિ સૂર્ય ને તારલા -

અતિ હલકી નાની શી ફરતી નાવડીનીય તું

ધરે વિરલ સૌકુમાર્ય થકી સ્પર્શરખા ઉરે!

સ્રોત

  • પુસ્તક : રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2013