tyag ma kantak - Metrical Poem | RekhtaGujarati

ત્યાગમાં કંટક

tyag ma kantak

કલાપી કલાપી
ત્યાગમાં કંટક
કલાપી

બાળી પહાડો સહુ ખાક કીધા,

તે ખાક ચોળી શરીરમાં આ;

વિકરાલ દાવા મુજ ત્યાગધૂણી,

તેણે બચાવ્યું નવ કોઈ પ્રાણી.

હા હા! તહીં કંટક ક્યહીંથી?

નીલ રહ્યો તે દ્રવતો જલેથી?

ના અગ્નિમાં મુજ દિલ દાઝે,

ભોંકાય તેમાં ક્યમ કુમળો એ?

મેઘધ્વનિમાં કંઈ વજ્રપાત,

ઉરે તેની ગણી મેં વિસાત;

તે ઉર કાયર કેમ થાય?

કાંટો અડ્યે પીગળી કેમ જાય?

મારી સમાધિ ડગી જાય છે કૈં,

તલ્લીન કાંટા મહીં થાય છે કૈં;

યોગ મારો ક્યમ મ્હાત થાય,

ખેંચાણમાં કાં વહેતો જણાય?

યોગીઉરે કંટક હશે શું?

રાગ ત્યાગી-ઉરમાં રહ્યો શું?

બુદ્ધિ મહીં દિલનો ઝરો શું?

પાષાણમાં રોપ ઊગ્યો હશે શું?

ખેંચાણ યાચે નબળાઈ કાંઈ,

અશ્રુ વહે છે ક્યમ નેત્ર માંહી?

કાંટો ગળી મૃદુતા ધરે છે,

ચિત્તે સ્મૃતિ-વાદળ કંઈ ચડે છે.

વ્હાલી હતી તે ફરી થાય વ્હાલી,

તે અશ્રુની આપતી કાંઈ યાદી;

ત્યાજ્ય લાગે મુજ ત્યાગ શાને?

ના ત્યાજ્ય તે રાગ મને દિસે છે.

ભોળું થા, ઉર! હવે ફરીને,

માન્યું વૃક્ષા તે નકી સૌ વૃથા છે;

કાંટોય બાળી કર ભસ્મ તેને,

તે ભસ્મ ચોળી, અવધૂત! લેને.

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004