tushar - Metrical Poem | RekhtaGujarati

તુષાર

tushar

કલાપી કલાપી
તુષાર
કલાપી

હું છું ઊભો ગિરિ તણા શિખરે ચડીને

કલ્લોલમાલ સમ ગીચ તુષાર નીચે;

મેદાન નીલવરણા ઉપરે ઝૂમ્યો છે;

જાણે જડ્યું સર રૂડું નભને તલે તો!

મોજાં વહે ચળકતાં ભૂખરાં રૂપાળાં,

રેસા સમા રવિકરો સુરખી ભરે ત્યાં;

ઠંડી સમીરલહરી થકી ગોલ ઘૂમે,

ભૂરાં કબૂતર તણા જ્યમ ગોટ ઊડે!

મેખલા સમ ઊંચો ગિરિશૃંગ ઘેર્યો,

ત્યાં વ્હોકળા ઉપર હસ્તી સમો રહ્યો, જો!

તે ખીણમાં પથરનો કરી કોટ ઊભો,

ને વૃક્ષની ઉપર તીડ સમો પડ્યો, જો!

રૂપા તણા રસ સમો જલધોધવો તે

ગીચ ધુમ્મસ તણા મુખમાં પડે છે!

ત્યાં પક્ષીઓ કિલકિલે પણ ના દિસે કો;

અન્ધારમાં જગત આજ પડ્યું, અહો હો!

ત્યાં દૂર સિંધુ ઘૂઘવે, નદ ત્યાં મળે છે,

ત્યાં તુષારગઢના બુરજો ઊભા છે!

ત્યાં રાક્ષસો સમ ઊડે બહુરૂપધારી-

કાળો તુષાર નભના પડદા સુધીથી!

ત્યાં બર્ફનો અતુલ પ્હાડ પડ્યો ઢળીને,

નીચે ધસી લઈ જતો બહુ વૃક્ષને તે;

મોટો કડાક કકડાટ થયો દિશામાં,

ને ડૂબ્યો ગરજતા ધૂમ સિન્ધુનામાં!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004