ticket lavo - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટિકેટ લાવો

ticket lavo

ગોવિંદભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ
ટિકેટ લાવો
ગોવિંદભાઈ પટેલ

‘ટિકેટ લાવો’,

કોલાહલને વહી જાતી ગાડીમાં

ટિકેટનો ચેકર ભીડ ભેદી

આગે વધે, તેમ રૂઆબી એનો

આજ્ઞાર્થ કોલાહલ ભેદી સર્વે

વીંધી રહ્યો ભિક્ષુક દંપતીને.

ઉચાટને આંતરમાંહી સંઘરી,

ને દૈન્યને આનન પે પ્રસારી,

આજીજીઓથી ઊભરાતી આંખે

એકવસ્ત્રા ત્યમ એકટંગા

ભિખારિણી નાનલ બાલુડાને

ગોદે દબાવી, વધુ છોભીલી થઈ

સંકોરતી જીરણ વસ્ત્ર, અંગને

સાહેબને જોઈ રહી વિમાસણે.

ભિખારીનીયે દૃગ દૃષ્ટિહીણી

ચોળાઈ કૈં બે ક્ષણ, ને અવાજની

દિશા શું મંડાઈ, નિશાન શોધતી

સાહેબને આર્દ્ર થવા કહી રહી.

ને દુન્યવી રંગથી અજ્ઞ એવો

હસી રહ્યો બાળ ત્રણેય શું ટીકી.

સાહેબને ખાત્રી હતી પ્રવાસી

રેલ્વે તણાં દોષિત, ને સદાયનાં.

ને કાયદો ત્યાં ચરિતાર્થ થાવા

મથી રહ્યો આંખ પરોવી ફર્જ શું.

સમાજનાં અંગની ફોડલી શાં,

ભિખારી ખ્યાલ લઈ નવી ધરી

સાહેબ હૈયે ચકરાઈને જરી

પ્રશ્નાર્થ કૈં આંકી રહ્યો નવા નવા

સમાજનું અંગ? પછીત કેરો

ડબ્બા મહીનો સમુદાય રંગીલો

આચાર ભાતીગળની અદા થકી

આંકી રહ્યો ચિત્ર સમાજ કેરું.

સમાજમાં વિકૃતિ હોય ના તો

શું ઊપસે ફોડલી અંગ ભાગે?

ઠગો કંઈ શ્વેત નિજાર્થ સાધવા

ઉઠાવી જૈ બાળક લાગ મેળવી

ને આંખ ફોડી, પગ આમળી દઈ

ભિક્ષાર્થ મૂકે ફરતાં અહીં તહીં.

અપંગ આવાં જનની કમાણી પે

મ્હાલે ઝૂલે વર્ગ અપંગ તે કશો!

આંધળો મર્દ લૂલી બાયડી

શું હોય ના ભોગ બનેલ વિધે?

ને પછી તો બહુરૂપિણી શી

તગી રહી નૈતિકતા વિરૂપ થૈ.

એથી ઝાઝું : અદનાં ભિખારી

અન્યોન્ય જે હૂંફ દઈ વિરાજતાં

ને મુક્ત દામ્પત્યની વેલડી તણા

ગંધેભર્યા પુષ્પની ભાળ રાખતાં

તે ભાવ, ને આત્મવિલીનતા તે

ફોરી રહ્યાં ને અધિકારી જીવને

દામ્પત્યનો જે કંઈ આંક, તેહને

ઝાંખો કરીને લજવી રહ્યાં ઘણું.

સમાજની નૈતિકતા વિવર્ધતા

સાહેબને લિપ્ત હતો કાયદો,

પરંતુ ભિક્ષુક દંપતીને

ને એમને દેવ થકી મળેલ ને

નિહાળી ભીડે અપૂર્વ રાજતાં;

કો ખાદ્ય તીખા સમું દૃશ્ય તિકત

પ્રેરી રહ્યું કૈં ચચણાટ હૈયે

ને મીઠડો કૈં દ્રવ નવ્ય સંગે.

કાનૂન ત્યાં કામ્ય હતો મહાન,

કર્તવ્યનો ભાર હતો મહત્તર,

ત્યાં કિંતુ ભદ્રા અનુભૂતિ પ્રેરતી

બની રહી માનવતા મહત્તમ.

હૈયેથી હોઠે નહિ આવી તોયે

કર્તવ્યનિષ્ઠા વિલસી રહી શી!

ને માનવી ભાવથી સિકત આર્દ્ર

સાહેબથી ભિક્ષુક બેલડીને

કોલાહલે વૃદ્ધિની ભીતિ શંકતાં—

કહી શકાયું ન, ‘ટિકેટ લાવો.’

સ્રોત

  • પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 69)
  • પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
  • વર્ષ : 1964