takora - Metrical Poem | RekhtaGujarati

[મિશ્ર]

નિરાશ મારા ઉરની સમી ત્યાં હતી નિશા શ્યામળ બ્હાર જામી;

ઝડી રહી'તી ઝપટાઈ, તીખી ત્યાં વીજળી અન્તર મેઘ કેરું

દહી રહી'તી; ઘનયે ગડૂડી કમ્પાવતો'તો ઉર વ્યોમ કેરું.

કુટીરમાં કમ્પતી કાયથી હું પડ્યો હતો ટૂંટિયું મારું વાળી;

નેણે હતી ધાર ઢળી રહેલી, બળી રહી'તી મુજ આગ અન્તરે;

હતું મને આજ જરૂર આવશે તું, તેથી મેં રાહ અમીટ તાહરી

નિહાળવામાં દિન ગાળી નાખ્યો સવારથી સાંજ લગીય આજનો.

અંધાર જ્યારે ઊતર્યા અને આ ઘેરાઈ આકાશ ગયું ઘનોથી,

ત્યારે 'ન આજેય તું આવિયો' કહી ઢળી પડ્યો દુર્બળ હું નિરાશ થૈ.

ન જાણું શાને, પણ રોજ મારે

નિહાળવાની તુજ રાહ, અન્તે ન આવતાં તું બનવું નિરાશ;

અને વિતાવી નિશ જેમ તેમ, દી ઊગતાં રાહ ફરી નિહાળવી.

'તું આજ તો નિશ્ચય આવશે' ગણી; નિરાશ થાવું વળી રાહ જોવી,

વળી નિરાશા, વળી ઝંખના; ને વીતી દિનો એમ જ માહરા જતા.

આજેય એવું બનતાં નિરાશ થૈ હું ટૂંટિયું વાળી પડ્યો કુટીરે.

વિચારતાં : કેમ તું આજ ના'વિયો? ઝડી રહી'તી ઝપડાઈ બ્હારે,

ને વીજળી ત્યાં સળકી રહીને તડો મહીંથી મુજ બારણાંની

આવી કુટીરે મુજ આંખ આંજતી, કમ્પાવતી અન્તર મારું બાવરું.

તહીં ટકોરા મુજ બારણે થતા, એ સાંભળી, આતુર દોડી, બારણું

ઉઘાડું, ત્યાં મેઘતણી ઝડી કો સૂ સૂ કરી માંહિ પ્રવેશતી અને

કુટીરને ને મુજને પલાળતી. ને બાર વાસી દઈ, હું ફરીથી

નિરાશ થૈને પડતો ઢળી ત્યાં.

ઝડી રહે છે ઝપટાઈ; વાદળાં ર્હે છે ગડૂડી, ચમકે છ વીજળી;

વીંટી વળે છે ઉરને નિરાશા, ને અંગને ટાઢ; અધીર કમ્પતો

વિમાસું : “આજેય તું કેમ ના'વિયે?”

ફરી ટકોરા મુજ બારણે થતા, પરંતુ એ તો અમથી જ ભ્રાન્તિ સૌ

ગણી વિચારું મનમાં : “તું આ સમે ક્યાંથી જ આવે મુજ રંક બારણે?

વસન્તના વૈભવમાં ન આવિયો, ને આવિયો ગ્રીષ્મ તણા પ્રદોષે;

પ્રસન્ન ના પૂનમમાં પધારિયો, ન આવિયો વા સ્મિતમાં ઉષાના,

સંધ્યા તણી સોનલ પાંદડીમાંયે ના'વિયો તે ક્યમ આજની આ

ભેંકાર રાતે, પૂર કાદવોમાં રજોટવાને પદપદ્મ આવશે?

ના, ના, ટકોરા તુજ ન્હોય; એ તો નિરાશ હૈયે ઊઠતી જ વંચના!

અને પડ્યો હું રહું કોટડીમાં. ઝીંકાય છે બ્હાર ઝડી, કડાકા

કરી ગડૂડે ઘનનાં દળો, ને ઝંઝાનિલો સૂસવી સૂસવીને

ફૂંકાય જાણે પ્રથવી ઉખેડવા; મારે પડે અન્તર આજ ધ્રાસકા.

વંટોળના તાંડવનૃત્ય માંહે દીવાલ ડોલે મુજ ઝૂંપડીની;

ફાટક ત્યાં બારણું ઊઘડી જતાં ધસે ઝડી સૂચવતી જ કારમી;

ને વીજળીયે નિજ અંગતેજને વેરી રહે અંદર બહાર ને બધે.

એ તેજમાં દૂર સુદૂર ચાલી ન્ય્હાળું જતી પ્રીતમ! કાય તારી;

હતા ટકોરા તુજ એ? હતો શું આવ્યો કુટીરે મુજ તું જ આ સમે?

ના'વ્યો તદા આતુર ઊઠિયો હું, આવ્યો, છતાં સંશયમાં પડી રહ્યો?

ઉઘાડવા બારણુંયે ન ઊઠ્યો? હવે ફરીથી કદી આવશે તું?

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941