svatma prati ukti - Metrical Poem | RekhtaGujarati

સ્વાત્મા પ્રતિ ઉક્તિ

svatma prati ukti

દલપતરામ દલપતરામ
સ્વાત્મા પ્રતિ ઉક્તિ
દલપતરામ

[ઓ પોપટા પિંજરના]

(ઉપજાતિ વૃત્ત)

પોપટા પિંજરના નિવાસી,

રીઝ્યો તને વિશ્વતણો વિલાસી;

મુખે ધરી કોમળ મિષ્ટ વાણી,

ગા કીર્તિ તેની ઉર પ્રેમ આણી.

જેણે રચ્યું પિંજર સૌથી સારું,

તથા કરે રક્ષણ નિત્ય તારું;

તે કોણ છે? તું મન જો તપાશી,

તેણેજ સૃષ્ટિપ્રભા પ્રકાશી.

જો માનવીના ગુણ કોઇ ગાશે,

તો તે સુણી પૂર્ણ પ્રસન્ન થાશે;

વિશેષ ભાવે પ્રભુને વખાણે,

જગત્પિતા તે નહિ કેમ જાણે?

જે ખાનપાનાદિક દેઇ પાળે,

તથા સદા સંકટ સર્વ ટાળે;

તેને નહીં યાદ કરે કદાપિ,

તે તો કૃતઘ્ની પરિપૂર્ણ પાપી.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002