નર્મદ
Narmad
વીરપુરુષ ચરણે નમી, પ્હેરે જે યશહાર,
રાજનીતિ સંક્ષેપમાં, કહું મતિને અનુસાર.
(૧) પરદેશી રાજાનો પ્રજા પ્રતિ ધર્મ
(ચામર)
રાય હોય જે પ્રજા પિતા સમાન પાળતો,
રાજનીતિ સર્વ પાસ યોગ્ય જે પળાવતો;
પક્ષપાતને તજી સજે વિવેક અંતરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
અન્ય ધર્મ જાત રંગના ગુણી પ્રજાજનો,
તેહનાં ન દુઃખવે કદી કહીં તનો મનો;
આપ અન્યમાં સદા સમાન ભાવ જે ધરે.
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
અન્ય ધર્મને ન નિંદતો કદી ભમાઈને,
સેજમાંહિ ના કરે જુલૂમ ખીજવાઈને:
બાળકી પ્રજા ઉપેર મોટ માર ના કરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
શત્રુ હોય જો સમાન તો જ હાથ દાખવે,
આગ્રહી દિસે સમીપ સૂજ્ઞ મંત્રિ રાખવે;
ઉદ્યમે ઉમંગિ ઝટ્ટ રંકદાદ સાંભળે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
નીજ જાતને વધારિ તોડતો ન રૈયત,
કારભાર સોંપતાં કરે નહીં કહીં ગત;
યોગ્ય દેશિને દિયે પદો ઉંચાં જ આદરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
લોકથી ઝિલાય ભાર એમ મૂકતો કર,
જ્ઞાન જો પ્રસારતો જ હોય તે પ્રભાકર;
લોકદાઝ જાણિ હીત તેમનું કરે ખરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
ખુલ્લિ ને છુપેલિ રીતથી ન ચાંટલી ચુંટે,
ટેક રાખિ જે ન જાત ધર્મ ધંનને લુંટે;
રહે જે પ્રજાતણા જ દેશમાં નિરંતરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
માનિ જે પ્રજાતણી પતીજ કામ સોંપતો,
સ્વાર્થ સારૂ રાખતો કદી જુઠો ન રોપ તો;
કારભારિયો કરે પ્રજા હકે વિચાર રે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
રાજ્ય આમદાનિ ખર્ચ મૂકતો પ્રજાકને,
પૂછિને કરે લડાઈ જે પ્રજા સુપાત્રને;
સં૫ હુન્નરો વધારિ દેશકોશ જે ભરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
જો પ્રજા અનીતિયે કદાપિ આડિ પર્વરે;
સામ દામ ભેદ દંડ યોગ્ય ન્યાય જે કરે;
સર્વ સંપતે સુખી પ્રજા નિહાળિ જે ઠરે;
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
આજ એમ કાલ તેમ ફેરવે ન કાયદા,
જેથિ તો પ્રજા સહે ઘણા જ ગેરફાયદા;
પુખ્ત ધારણા વિના ચઢે નહીં જ દાદરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
સ્વાર્થિયા ખળોતણૂં સુણે નહીં લગાર જે,
તીક્ષ્ણ બુદ્ધિ રાખિ રોજ સાવધાન રેહ જે;
હંસની પઠેમ પીઈ દૂધ પાણિ પર્હરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
સારૂં માઠું જાણવા ભણાતું હોય લોકમાં,
નગ્રમાં ફરે હરે ન રાખિ દીલ બેતમા;
ક્લેશ સંકટે પ્રજા ખમે પિડાતિ ના પુરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
રોજ જે પ્રજાનિ સાથ મિત્રતા વધારતો.
ખાનગી વ્યવહારમાં મળી જવૂં જ ધારતો;
જોઈ રીત ભાત નાત જાત ના કરે હડે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
પાસ આવિયા વિના દિસે ન દુઃખ દૂરથી,
જાણિ એમ આવતો તણાઈ પ્રેમપૂરથી;
રોગને નિવારવા કરે ઉપાય સાર રે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
રાજ્ય તે કુટુંબમાં વડીલ રાય રાજતો,
પુત્રી સાથ લાડતાં કદી નહીં જ લાજતો;
કામ દેખિ દેશિનાં ઉતેજનો દિયે જરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
મંત્રિયોનિ હાજિહાથિ ના ફુલાય લેશ જે,
આપ મોટ થૈ ભણેલ લે સ્વિકારી બેશ જે;
રંક જાત પાસ ઊપડાવતો ન વેઠ રે.
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
રોજરોજ મેળવે જ પ્યાર જે પ્રજાતણો,
નીજ રાજનો ટકાવ સેલથી કરે ઘણો;
સૂખ દૂખ વ્હેચિ લે ખુશીથકી પરસ્પરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
પંખી તે ફળો રહીત ઝાડને તજે ખરું,
‘છોડિને જશે જ લોક લાભ જો હું ના કરૂં.'
એમ સમજી પ્રજાની રૂચિયે અનુસરે
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
દેડકૂં બપૈયું મોર મેઘને ઇછે વળી,
તેમ રાયને ચહે ઉમંગથી પ્રજા ભલી;
જે ગભીરતા દયાદિ મેધગૂણ આચરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
દુષ્ટ શત્રુ મારતો ઘણે ઘણે પરાક્રમે,
ઈષ્ટ જંનનાં સુખો વધારતો અનુક્રમે;
નીતિમાન ભક્તિમાન હોઈ દેવથી ડરે,
તે જ ધીર વીર રાજ રાજ્યસિંધુને તરે.
(૨) પ્રજાનો રાજા પ્રતિ ધર્મ.
(નારાચ)
ખરા ઠરેલ કાયદા ઉમંગ લાવિ પાળતી,
કહેલું સાનમાં લહી ખસૂસ જે બજાવતી;
સ્વદેશનાભિમાનથી ફિતૂર બંડ ના કરે,
પ્રજા સજાત જાણવી સુરાજભક્તિ આચરે.
પિતાનિ કાળજી વડે નિરાંતથી જમી સુતી,
ન તે ભણી ઉઠે સુપુત્રિ મારવા કદી જુતી;
તજી કૃતઘ્નતા સજે કૃતજ્ઞતા રૂડી દિલે,
પ્રજા સજાત જાણવી જ જેહની ખુબી ખિલે.
બહુજ ઈતરાજિ રાયની કદાપિ થાય જો,
ક્ષમાની ઢાલ રાખિ બ્હાર હાજિ હાજિ ગાય તો;
સમો વટાવિ કાયદો અયોગ્ય ફેરવાવતી.
પ્રજા સજાત જાણવી સુરાજનીતિમાં ગતી.
પડ્યૂં વિપત્તિ આભ તૂટિ જોઈ બાપ ઉપર,
કદાપિ ના તજે જતે જિવો જ ખાઈને ડર;
અનંત તંન મંન ધંનથી દિયે સુઆશ્રય,
પ્રજા સજાત નીજ કામમાંહિ મેળવે જય.
પિતા ઉપર સામટો બધો ન બોજ મૂકતી,
સ્વદેશને સુધારવાતણો સ્વશક્તિયે છતી;
સ્વહીત દેશહીત રાજહીત રીત નીત તે,
પ્રજા સજાત તુર્ત ઝડ્પી લે વળી ભલી ગતે.
કુસંપ લોભ ગર્વને સદૈવ ચાનકે હણે,
સુયત્ન ઘોડજોડ જોડિ સંપ ચારઠે ભણે;
'સદા રહો જ રામરાજ અંગના ઉમંગમાં,'
પ્રજા સજાત વીર તો ઝિંતે જ રંગ જંગમાં.
દગા છળો જુગાર જાર ચોરિ ને ખુનો સહૂ,
સ્વદેશમાંથિ કહાડવા કરે જ મ્હેનતો બહૂ;
બચાવિ નાણું એમ જે નખાવતી સમારમાં,
પ્રજા સજાત લાભ લૈ રહેજ બાપલાડમાં.
વિયોગ રાયદીપનો સહે નહી કદી ખરે,
મુયેલવત્ પડી રહે પતંગ દીવસે અરે;
સુદીપ દેખતાં જ ઝપલાવિ તેલમાં પડે,
પ્રજા સજાત રાજભક્તિ અર્પિ આપ પ્રાણ દે.
ન એવું આચરે કદી ફુલાઈ જાય રાય રે,
ખુશામતો કરી નહીં ગુલામ આપ થાય રે;
રહી જ નીજ ભારબોજમાં નહીં ચળે છળે,
પ્રજા સજાત રાજભક્તિ અર્પિ આપ સૂખ લે.
(૩) સ્વતંત્રતા-ખરી હિમ્મત
(ચામર)
હિંદુઓ હવે ખસૂસ હોંસ દીલ આણજો,
યોગ્ય જે સ્વતંત્રતામતા ન તુચ્છ જાણજો;
છો તમો ગુલામગીરિ શત્રુશસ્ત્ર ઘાયલ,
રોગમાં રિબાઈ છો થયા પથારિઝાયલ.
એક વાતથી નહી પરંતુ સંધિ વાતથી,
વેઠિયા દિશો દુખી છું લાજું શૂ કહૂં કથી;
રાજ ધર્મ રૂઢિના અયોગ્ય હીણ દાસ છો,
શત્રુ રે સરસ્વતીતણા થયે નિરાસ છો.
આજ આ દશા તમારિ ભૂંડિ શાથિ આવિ છે,
પૂછશો તમે વળી કહું છું વાત સાચિ છે;
દાસ રે ગુલામ જુલ્મિ રાજના થયાથકી,
વ્હેમબંધને ફસાઈ તો ગયાથકી નકી.
ચ્હેનમાં છુટા ફર્યા અગાઉ પોપટો પણ,
હાલમાં પડ્યા છ પાંજરે ગુમાવિને પણ;
વર્ષ તો વહી ગયાં ગયા પગો બંધાઈ રે,
ના ગમે છુટૂં થવૂં ગયૂં જ વીર્ય ભાઈ રે.
રે હતા સ્વતંત્ર ભારિ પૂર્વકાળમાં ખરા,
હાલમાં ગમે અરે ઉંટો પઠેમ ઝાંખરાં;
જોરમાં કુદી ઉઠો હવે બનો જ ડાંખરા,
આબરૂતણા બહૂ કરો છ કેમ કાંકરા.
રાય સિંધુની પઠે હદે રહ્યો જ કામનો;
જે સમે સિમો વટી વધ્યો જણાય તે ઘણો;
પર્વતો ઉન્હા કદાપિ મધ્યમાંથિ નીકળે,
પૃથ્વિ નીપજે નવી જુની ડુબે જ રે જળે.
ધર્મ હેમની પઠે રહ્યો જ શુદ્ધ કામનો,
જે સમે હિણો થયો અનીતિભેગથી ઘણો;
કોઈ વેળ બંધનો તુટી પડે તડાતડ,
દેશમાં ધસી વસે લડાલડી રડારડ.
બુદ્ધિ લોહની પઠે ઘસાઈ રેહ ઊજળી,
સર્વ કામમાં સદાય ધારિ આવતી ભલી;
કાટ જહાં ચ્હડ્યો અને વધ્યૂં બહૂ જ આળસ,
હીજડા બની કદી ન મેળવો રુડા જસ.
રાજ-ધર્મ-રૂઢિને ઘટીત માન આપવૂં,
નીચ વાતમાં કબુ ગુલામ છેક ના થવૂં;
જે બજાવવાથકી ઘટે વજન્ન આપણૂં,
તે વિષે સ્વતંત્રતાથિ રાખવૂં જ હૂંપણૂં.
રાય જો પુછે સલાહ માત્ર દ્રવ્યવાનમાં,
જ્ઞાનિ ડાહિ રાંકડી પ્રજાનિ રાખિ બેતમા;
તર્ત તેણિયે થવૂં જરૂર સ્હામું રાયની,
રાખવી પરંતુ વર્તવા સુસભ્યતા ઘણી.
સ્વાર્થિયા ખળોતણો હુકૂમ ના જ માનવો,
કાર્ય કહાડવા જુઠો જ પ્રેમ દાખવે નવો;
કેમકે દિસે સમીપ અંતકાળ આવતો,
નીજ જાન માલ ને સુખાદિ હક્ક ટેકનો.
કોઈયે અતીસ છૂટ લીધિ સાંખવી નહી,
તર્ત ત્રાસ આપિને કમી કરાવવી સહી;
જો નહી સજા કરી મુકાવિ જો કટેવને,
લોભિ તો પછાડશે સુસંપદેશદેવને.
પૂર્વ કાળમાં થયાં છ મોટ મોટ કામ તે,
સર્વ છૂટના પ્રતાપ જેથિ રાજી રામ છે;
દેશહીત ધારવા હલાવવી સ્વતંત્રતા,
વર્તવૂં રિતે કરી પડે ન ખાવિ કો ખતા.
કોઈ કોઈનું દબેલ જો ન હોત વિશ્વમાં,
ઠામ ઠામ જોં અતીશ વ્યાપિ હોત બેતમા;
ના નિભાત વિશ્વથી ટચાક નીમ તૂટતે,
સર્વ ખૂનિ નાશ ધૂળઢગ્ગ એકઠો થતે.
એવું છે તથાપિ કોઈ એમ કેહેશે નહીં,
મૂળગી સ્વતંત્રતા ન જોઇયે કદી કહીં;
જો ન હોત તો ન દી રૂડા કદાપિ દેખતે.
માર ખાઈ ખાઇને ફુંકાઈ તો ગયા હતે.
મા ન પથ્ય પાળતી બિગાડિ દે છ ગર્ભને,
નીજ જાન કહાડિ તે બ્હિવાડિદે જ માતને;
બાળ દોડિ ધાવવા કને જિજીનિ જાય છે,
પેટ ના ભરાય તો અતીસ ખીજવાય છે.
આથિ દોર જાણવો ભલો સ્વતંત્રતાતણો,
ઈશ્વરે ઉપાય કામ લાગતો દિધો ઘણો;
શસ્ત્ર ને સ્વતંત્રતા ન હોય માનવી કને.
ઢોર પેર જોરવાન મારશે કજોરને.
જે વિવેકપેટ જન્મિ હોય મર્જિદીકરી,
મર્ણ માર મારતાં મરે નહીં કદી ખરી;
જુલ્મિ દાહમાંથિ છે સિતા સમાન નીસરે,
શુદ્ધ મર્જિશક્તિ તે સ્વતંત્રતા ભલી ખરે.
જે કમાનની પઠે દબાયેલી રહે નહીં,
સોયની પઠે ઈછેલ ધ્રુવ દાખવે સહી;
શ્વાનપુચ્છની પઠે ન તાણિ સીધિ થાય જે,
તે જ જાણવી સ્વતંત્રતાનિ શક્તિ ને મઝે.
યોગ્ય રીતનો પટો સ્વતંત્રતા સુશસ્ત્રનો,
ખેલવો છટાથિ ભારિ દિવ્ય માનટેકનો;
દુષ્ટ શત્રુ આવતો દિસે સમીપ શૂરમાં,
યુક્તિથી સુવાડવો ઉગામિ હાથ ધૂળમાં.
છૂટ જો ન હોય કામ વિશ્વનૂં ન ચાલત,
રાયરંકમાં કદી ન ફેરફાર હાલત;
શેઠના જુલૂમથી સુસેવકો મરી જતે,
વ્હેલ વિશ્વનો બુરો જ અંત એમ આવતે.
આપ આપ સીમમાં રમે કજોર જોર તે,
યોગ્ય તોલથી વધે ન એ જ છૂટ દોર છે;
જાણવો સ્વતંત્રતા ભલો જ દેવ દિગ્ગજ,
જેનિ કાળજીથકી કિડા હણે નહીં ગજ.
છૂટથી વધે જ નૂર તે જ માનવીતણૂં,
શોભતૂં ખિલી રહે જ મર્દમાનવીપણૂં;
વીરવીર્ય દાખવે સ્વતંત્રતા પરાક્રમ,
જેનિ હાક સાંભળી ખુણે ભરાય રે જમ.
જો સ્વતંત્રતા મળે નહીં ખરે સુજાણને,
બુદ્ધિ ઘૂમ થાય છે કટાઈ કાર્ય ના બને;
જો કળી ચંપાઈ તો ફુલોફળો ના નીપજે,
શોધ ના નવા ઉગે ન જીવ ભૂષણો સજે.
સારિ વાતમાં વધે સવાદ વાદ સર્વનો.
લોક માનમાં રહી હણે જ દોર ગર્વનો;
લોક તે ભણેલ ને ગણેલ થાય હોંસથી.
કોઈ કોઈની નહીં જ ગાંઠ વાળતૂં મથી;
રાય રંક સર્વ તે કરે સ્વિકાર સારનો.
જોરમાં ચઢે જુંવાળ દેશના સમારનો.
કોઈનો નથી જ હક્ક રાયરંકનો કદા,
છેક તો થવા બનાવવા ગુલામ વિશ્વમાં;
માણસાઈ છે તહાં ગુલામિ હોવિ ના ખરે,
જુલ્મિ વાત જોઈ શુભ ન્યાયફૂલ તે ખરે.
મૂર્ખહાથ છૂટ શસ્ત્ર નૂકસાનકાર છે,
જ્ઞાનિહાથ તે જ શસ્ત્ર ભારિ લાભકાર છે,
મૂર્ખ આપ અન્યને હણે જ ઉદ્ધતાઈથી,
જ્ઞાનિ કાર્ય કહાડતો બ્હિવાડિ સાલસાઈથી.
જેટલા દિસે છ માનવીહકો ઘણા ઘણા,
મૂખ્ય છે સ્વતંત્રતા નથી જ તેહમાં મણા;
આવશે દિ કેદિ કેદિ છુટશૂં ગુલામિથી?
વા નિરાશ થાવું ભાઈ દેવ લાવશે મિતી.
સર્વ સાર એટલો સ્વતંત્રતા હિરાકણી,
છે વિટી અગત્યની કહો અરે જરૂરની;
સૂક્ષ્મ તે પરંતુ દેવદત્ત જાણવો વર,
શ્રેષ્ઠ સૃષ્ટિમાં અનૂપ જેથી શોભતો કર.
લાભ થાય છૂટથી ગણીતથી ગણાય ના,
કાવ્યમાં લખાય ના કવીથિ તે ભણાય ના;
દુઃખને દળો ન કેમ શૂર છૂપું રે છતે,
લો હવે વિરો સહૂ ઉઠો જ યોગ્ય હિમ્મતે.
રાજકાજમાં પ્રવીણ થાવું ચોંપ રાખિને,
રાય પાસ માંગવા હકો પ્રસંગ તાકિને;
કારભાર લેઈને કરાવવા સુકાયદા,
જેથિ રાય તો ડરી વહી ન જાય રે કદા.
જે વિવેકબુદ્ધિ શાસ્ત્ર કેહ તે કરો હવે,
ન્યાત-પિત્રુબંધ જીર્ણ ઘાસ બાળિ દો દવે;
નિત્યદેવને ભજો સદાય નીતિ આચરો,
હિમ્મતે ન હારિ ભાઈ ઝટ્ટ નાતરાં કરો.
શૂભ અને અશૂભ કાર્ય ઠાઠ દો તજી અરે.
દ્રવ્ય કાંકરાનિ પેર વ્યર્થ ના ખુવો ખરે;
બંધ બાળલગ્ન ને મરેલ શોક ના કરો,
દેશને તરાવવા બિજા પ્રદેશમાં ફરો.
આળસાઈ આટિને ભણો ગણો સુઉદ્યમે,
જ્ઞાન બુદ્ધિ શુદ્ધિ વૃદ્ધિ મંનમાં કરો જમે;
મંત્ર તંત્ર વ્હેમને તજી સુસં૫ સેવિ લો,
યંત્ર આણિ દેશમાં બજારને વધારિ દો.
સાચિ હિમ્મતે હણાય શત્રુ સો કરોડ તે,
સાચિ વાતમાં દબેલ રોહ ના કજા થતે;
સાચિ તે સ્વતંત્રતા શુરી ઘણી જગાડવી,
સાચિ વાતમાં ખરે સુઉદ્યમે લગાડવી.
(માલિની)
બનવું બ્હિકણ પાવૈ, કાયરાં હીણું કૂડું,
બનવું મરદ શૂરાં, હિમ્મતી તે જ રૂંડું;
ગરમ રૂધિર વ્હેતે, પામવૂં મોત સારૂં,
સમજિ સુજન મંડો, ભાંજવા બેડિ તાળૂં.
અતિસ બનિ ગયા છો, બ્હાવરા ને જનાની,
ગમતિ ઘણિ થઈ છે, વાત શૃંગારમાંની;
પણ ખચિત વિચારો, ચિત્ત શૃંગાર ખીલે.
પુરુષ પણથિ રાખે, વીર મર્દાઈ દીલે.
પુરુષ સશુર હોયે, તો બનેસ્ત્રી રૂપાળી,
ઉલટથકિ જ વાગે, પ્રેમની રંગ તાળી;
સમય નથિ હવે કે, રોજ શૃંગાર ખેલો,
સમજિ સમય જાણો, આ વળી છેક છેલ્લો.
શરમ શરમ લોકો, આળસે આપિ દીધૂં,
અવતરિ ઉંચ કૂળે, ખાઈને ખોરું કીધૂં;
વિજળિચમકધક્કા, લો તમે છૂટરૂપ,
અતિશ પસરિ રહેશે, અંગમાં ભારિ ઝૂમ.
અમૃત છુટ ઝરો જે, આળસે છે પુરાયો,
બહુ બહુ શ્રમથી તે, ખોદવા ઝટ્ટ ધાઓ;
નિરમળ નિર થંડૂં, દેખિને રાજિ થાઓ,
હલકું જળ પિઈને, રોગથી છૂટી જાઓ.
ઘણું શું કહું હું લોકો, ઝબ્બકી ઝટ્ટ જાગો,
ઘટિત સકળ રીતે, આપના હક્ક માંગો;
અગર નહિં જ માંગો, આમના આમ ભાઈ.
હડ હડ ખમિ સૂશો, રે ચિતામાં રિબાઈ.
છતિ પણ તલવારે, કાં લુટાઓ છ લોકો,
પછિ વળિ પસતાઈ, કેમ મૂકો છ પોકો;
સબબ વગર સંધૂં, જાણિ જોઈ ગુમાવો,
કદર ફરજ ભૂલી, કાં બગાડો છ દાવો?
મનથિ કરિ સુભક્તી, જુક્તિ ઝાઝી લગાવો,
રુડી છુટ બલિહારી, રોજને રોજ ગાવો;
રુડું છુટસુખ લેવા, જાળવો હક્ક ભારી,
છુટ છુટ છુટ બોલો, દેશિયો સૂખકારી.
છુટ છુટ છુટ બોલી, આચરો તે જ અર્થે,
શુભ શુભ શુભ કર્મો, જે ભરે કોશ અર્થે,
સુખ સુખ સુખ હોરો, દુઃખને દો દળી ઓ,
જય જય જય દેશે, દો ગજાવી વળી ઓ!
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
