stutimangal - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાધાશું શૃંગાર અને હાસ્ય ગોપવૃન્દ સાથે,

ગોપીના વિયોગથી કરુણ ઉપજાવ્યો છે:

વીર કાલિનાગ સાથ, કંસ સાથ રૌદ્ર, અને

જરાસન્ધ થકી ન્હાશી ભય સમઝાવ્યો છે:

અઘદેહ ફાડીને બીભત્સ, તેમ અદભુત

ગોવર્દ્ધન તોળી અને જગને જણાવ્યો છે:

પાંડવોને પાળી વત્સ, યાદવોને રોળી શાન્ત,

કૃષ્ણદેવે પૂર્ણ રસગ્રન્થ ભણાવ્યો છે!

મત્સ્ય છો કે વત્સ, અને કૂર્મ છો કે હાસ, છો

વરાહ કે બીભત્સ, કે નૃસિંહ કે ભય છો:

વામન કે અદભુત, કે પરશુરામ વીર,

રામ કે કરુણ, કૃષ્ણ કે શૃંગારમય છો:

બુદ્ધ છો કે શાન્ત રસ, કલ્કિ છો કે રૌદ્ર રસ,

દેવ કેરા દેવ કે અખંડ રસમય છો:

કોણ છો કૃપાળ ત્હમે, યોગીને અગમ્ય છો, કે

સર્વથા કવિજનોના રસના વિષય છો?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931