avaavaru vav - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિજન ઉજ્જડ દૂર અરણ્યમાં

પંથ તણાય તજાયલ એકલો.

ફરતી નિર્જીવ નીરવ ભોમમાં

ડગડગી રહ્યું વૃક્ષ સુજીર્ણ કો.

સૂકલવૃક્ષની ખંડિત છાંયમાં

તહીં અવાવરુ વાવ પડી હતી.

નિરખતી ભરનીંદર એમની

સૂકલ પાનની ચાદર ઊડતી.

અજડ આળસુ શુષ્ક તરંગમાં

ઘૂમરડી લઈ ઝાંખર ધૂળમાં

પથ વિષે કદિ યાત્રી સ્વરૂપમાં

પવન એક સૂસવતો હતો.

નહિ સુપલ્લવ, યાત્રી, કશું નહીં,

નહિ જરા રસ જીવ પદાવલિ.

હત ખવાયલ સ્થળકાળને

ફરતી મૂક વિષાદની લાગણી.

સુભગ એક સમે વનવાટમાં

અસહ લૂ મહીં ધોમ બપો૨માં

અહીં અચાનક એકલ ઊતરી

ઘુઘરબંધ મનોહર વેલડી.

ઊતરી ત્યાં વયચારુ કુમારિકા

ઊતરી શુષ્ક અવાવરુ વાવમાં;

જરિ છવાયલ પગથાં પરે

કરી ગયાં પદચુંબન પાંદડાં.

સમજાય પરિસ્થિતિની કળા,

અનુભવે સ્થળ કમ્પ પડ્યાં પડ્યાં,

કબુતરાં પણ પાંખ પ્રસારતાં

નવલ અનુભૂતિ વિલોકતાં.

કર ધર્યો ઊતરી જળઅંગમાં

સહુ ખસી મલ-આવરણો ગયાં.

જળ પરે ઝૂકનાર તૃષાર્તનું

રમી રહ્યું પ્રતિબિમ્બ અણુ અણુ.

ઊપડી ફરી ઘૂઘરવેલડી,

ક્ષિતિજમાં ઊડતી ધૂળ એકલી.

પવનમાં પળતી ગત ઝંકૃતિ

પ્રતિરવી રહી વાવ વિષે અહીં.

સમજું મુજ અંતરવાવનાં

જળ હલાવી ગયું પ્રિય! કોણ તું?

વિજન અંતરનાં પગથાં પરે

પ્રણયઝંકૃતિ કોણ મૂકી ગયું?

ઊતરી એકલ અંતરને તટે

વિજનતા ફરી દાખવતી ગઈ;

અનનુભૂત પરંતુ અહીં બધે

ચરણરેખ અપૂર્વ પડી રહી.

વહી ગયું સહુ, ધોમ બપોરમાં

રણઝણી ગઈ ઘૂઘરવેલડી.

નિરખું વા સ્મરું? દૂર સમીરમાં

ક્ષિતિજમાં લહરી રહી ચૂંદડી

સ્રોત

  • પુસ્તક : મનડામાં મોતી બંધાણું (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ડૉ. જયન્ત પાઠક, પ્રા. સનતકુમાર મહેતા
  • પ્રકાશક : જ્યોતિ મુ. પારાશાર્ય
  • વર્ષ : 2005