dhawayelo sainik - Metrical Poem | RekhtaGujarati

ઘવાયેલો સૈનિક

dhawayelo sainik

રાવજી પટેલ રાવજી પટેલ
ઘવાયેલો સૈનિક
રાવજી પટેલ

કપાયલી ડાળ પરે ટહુક્યું

પંખી, અને યાદ બધાંય આવ્યાં.

લાવો લખું કાગળ આજ થાતું,

ને ગામ આખું ઊભરાય ચિત્તે;

લખું ત્યહીં સ્પર્શ થતો સહુનો.

પૂરું કરું વાચન ત્યાં થતું કે

રહી ગયું કૈંક કશુંક; જોઉં

અહીંતહીં, બ્હાર, પણે, કને,

બંદૂક જે બિસ્તર પાસ ઊભી

ઉજાગરેથી નબળી પડેલી

પત્ની, ઘવાયો હમણાં ફરીથી.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2