smarno - Metrical Poem | RekhtaGujarati

મારે હૈયે રોજ જાગે સવારે

આશાઓ ને રોજ સંધ્યા વીતે ત્યાં

દાટે એને રાત્રિની ગાઢ શાન્તિ,

જેવું કોઈ હિમ-પ્રલયમાં બાલપંખી દટાતું.

આંબા મ્હોર્યે પાંગરે આશ સૌની,

મારે આંબે મૉર આવે, આવે;

આવે તો યે જેમ વીતી વસંતે

દાઝી તાપે ખરે, તેમ મારે

જીવ્યે આવે ફરી નવ વસંતોય તે કામ ના’વે.

મેં જોયો છે કેસૂડાને ઉમંગે

રાચ્યો જોઈ ફૂટતી પાંદડીઓ,

ડાળે ફૂલે આવતાં કસુંબી

ધારી શોભે નવલ કલગી યૌવનોલ્લાસ-રંગે.

જોઉં મારા બાળને પ્રેમથી જે,

સોનેરુને મેં દીઠા હેતથી એ;

એનાં પીળાં ફૂલ વૈશાખ માંહે

ખીલે છે ને વધાવે ખરીને

નાચે, રાચે મુજ ઉર લઇ અંજલિ એની ભાવે.

વર્ષોથી મેં વીચિમાલા નિહાળી

આવી હેલે ભીંજવે જે કિનારા,

વેળુ કોરી નીર પાછાં જતાં એ.

આવી કૈં કૈં ઊર્મિ હૈયાકિનારે

તેાયે રેતી સમું કદીય નહિ થયું આર્દ્ર નીર ઝીલી.

આજે મારાં અશ્રુની દોર ગૂં'થી

લેવો મારે તાગ ઊંડી ગુહાનો

વર્ષોં કેરી, એથી યે કૈં યુગોનાં

ઊંડાં આછાં કંઇ સ્મરણુના ને તૂટે દોર મારી....

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1959