raamaashvmedh - Metrical Poem | RekhtaGujarati

રામાશ્વમેધ

raamaashvmedh

દામોદર બોટાદકર દામોદર બોટાદકર
રામાશ્વમેધ
દામોદર બોટાદકર

(દ્રુતવિલમ્બિત)

સદનથી વહી દૂર ગઈ ભલે,

નયનના પથમાં રહી ભલે;

હૃદયથી પણ દૂર નથી થઈ,

નયનમાં વિલસી છવિ રહી.

જગદપેક્ષિત નીરસ નીતિએ,

રમણીનો પરિત્યાગ કર્યો ભલે;

જગદતીત નથી પ્રણયે ત્યજી,

વિષમતા ઉરમાં વસી કશી.

જગત માલિક મતિનું હશે,

પણ અંતરનું બની શકે;

જગતનો દૃઢ રાઘવ વજ્રનો,

હૃદયનો મૃદુ રાઘવ મીણનો.

જગતથી બહુ કાળ ડરી રહ્યો,

હૃદય શક્તિ નિત્ય ધરી રહ્યો;

પણ પલાયિત પાછળ ધસે,

વિરતિ ના વરવા ક્ષણ એક દે.

જગત સન્મુખ આજ બની રહું,

શરણ શુષ્ક ત્યજી મતિનું દઉં;

જગ તણી ભ્રમણા હવે ભજું,

કપટ-નાટક-વેષ બધો ત્યજું.

કપટ તો જગને હજુયે ગમે,

કપટમાં નિરંતર રમે;

પ્રણયપાત્ર નવું કરથી ગ્રહું,

જગત નયકાર્ય ગણે ખરું!

અહહ! શી દુનિયા તણી કષ્ટતા

અનયને નય સમજે સદા;

પ્રણયનું નહિ મૂલ્ય તહિં કશું,

હૃદયને કદી જ્યાં નહિ પૂછવું.

નટ તણો બની વાનર નાચવું,

જગતને પ્રિય એમ રમી થવું;

પણ ઉર બંધન ગ્રહે,

જગતનો નહિ ‘રામ’ રહું હવે.

મુજ મતિ નીરખી જગતે હતી,

હૃદય નીરખો મુજ ફરી;

રમણી જે હૃદયે વિલસી રહી,

મખ વિષે સહવાસિની ખરી.

જનકનંદિનીને ઉર જે મળ્યું,

નહિ શકે બની કદી અન્યનું;

કનકની પ્રતિમા દયિતા તણી,

સતત સંગ વસે પદ ગ્રહી.

નૃપતિ-કાર્ય હતું મતિથી કર્યું,

મનુજ-કાર્ય હવે મનથી કરું;

પ્રણયનો, જગનો, ઉરનો અરે,

જડ એક રામ હવે રહે.

પિશિત કે કંઈ અન્ય પદાર્થની,

કનકની અથવા કદી ચિત્રની;

પ્રણયિની પદ જાનકી સેવશે,

જગ ભલે ‘નબળા’ ઉરને હસે.

પળપળે જગને જઈ પૂછતો,

મનુજદાસ રઘૂત્તમ હતો;

પણ સ્વતંત્ર હવે બની હું રહ્યો,

મનુજનો પતિ તો બનું ખરો.

શરીર ભલે ફરી સાંપડે,

અવર વિશ્વ વિષે જઈ વા વસે;

પણ અંતર અંતરમાં જરી,

નથી ત્યજી નથી વા ગઈ જાનકી.

જગતની હતી જાનકી તે ગઈ,

હૃદયની હૃદયે હજુયે રહી;

સકળ કાર્ય તણી સહભાગિની,

હૃદયરાઘવની હૃદયેશ્વરી.

સ્રોત

  • પુસ્તક : બોટાદકરની કાવ્યસરિતા (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : મૅક્મિલન અને કંપની લિમિટેડ
  • વર્ષ : 1956