સીમાડા
simada
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
બાની વિદાય ઘરઉંબરમાં લઈને
લીધી વિદાય પ્રિયની નયનો મિલાવી.
ને 'આવજો' કહી પરસ્પર બાળકોશું
બેઠો હું વાહન મહીં, જતું વેગથી એ.
'સેના' ગઈ, ગયું જ ખેતર આપણું જે,
ને દૂર ત્યાં ક્ષિતિજમાં રવિ આથમે, ને
ધીમે ધીમે તિમિર આવરતું છતાંયે
ભુલાય શેં જનમભૂમિ તણા સીમાડા?
આજે અહીં પશ્ચિમવાહિની તટે
કાવેરીનાં ઊછળતાં જળ અંજલિમાં
લૈ તર્પતાં નયનમાં જળ ઊભરાયે –
પિતૃ સ્મરું, સ્મરું પુરાતન ઇતિહાસ,
જ્યાં ગૌતમે રીઝવિયા પ્રભુ રંગનાથ.
આનંદમાં મગ્ન, અનંતશાયિની
ત્યાં મૂતિ છે સાગરપુત્રી સખ્યમાં;
વિનાશની ઘૂઘવતી અશાંતિમાં
એ ચિન્તવે શું નવસૃષ્ટિ-સર્જન?
સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
- વર્ષ : 1959
