shurvirata - Metrical Poem | RekhtaGujarati

શૂરવીરતા

shurvirata

દલપતરામ દલપતરામ
શૂરવીરતા
દલપતરામ

(કુંડળિયા છંદ)

એક ટેક અશ્વે ચડે, લડે લઈને લાગ;

રિપુદળ પર તૂટી પડે, પાછો ધરે પાગ;

પાછો ધરે પાગ, ઘાવ વાગે ઘટમાંહી;

ચડે ચોગણું નૂર, ઠરે નહિ ચિંતા કાંહી;

દાખે દલપતરામ શરીરમાં ઘાવ સાલે;

અદકો વાધે ઉમંગ, ટેક અશ્વે ચડી ચાલે.

રણશિંગાનો રવ શુણી, ચડે શરીરે શૂર;

સિંધુરામ શુણિ સોગણું, નરતન ઉપજે નૂર;

નરતન ઉપજે નૂર, ડરે નામરદ નઠારા;

થરથર ધ્રૂજે સ્થૂળ, ગણે પછી તે પોબારા;

દાખે દલપતરામ, શૂર તે કહીયે શાનો;

હરખ ઉપજ્યો હોય, શુણી રવ રણશિંગાનો.

કામની કહે છે કંથને, શત્રુ ચડ્યો ધરી દ્વેષ;

પેહેર ચરણિયો કાંચળી, પછી ઘર ખૂણે પેશ;

પછી ઘર ખૂણે પેશ, વેશ બદલું વનિતાનો,

જઈ હું જીતું જંગ, જમાવું જશ જનિતાનો;

દાખે દલપતરામ, રૂદે મુજ હીમત રહે છે;

તું માદા હું મરદ, કંથને કામનિ કહે છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 195)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002