kodaliwalo - Metrical Poem | RekhtaGujarati

કોદાળીવાળો

kodaliwalo

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી

વળેલો, કેડ્ય ભાંગેલો, સૈકાના દુ:ખભારથી;

ઊભો છે ટેકવી કાયા, કોદાળી કરમાં લઈ.

ઊંડા ડોળા ધગ ધગ થતી ભોંયમાં શું જુએ છે!

મોઢે એને શત યુગ તણી શૂન્યતા ઘૂઘવે છે.

ગાલે ચીરા: નયન ફરતી દાઝ કાળી પડેલી;

સૈકાઓના સિતમઢગલે કેડય વાંકી વળેલી,

વ્યર્થ એને હસાવો ના! હસી શકશે નહિ;

નથી એને રહ્યાં આંસુ; રડી શકશે નહિ.

કોણે એને હૃદય કચર્યા હાસ્ય ને અશ્રુ બેઉ?

કોણે એને જડ બળદનો મૂઢ બંધુ બનાવ્યો?

કોણે એનું કઠણ જડબું હચમચી ખેડવેલું!

બુદ્ધિ કેરો વિમલ દીવડો, હાય, કોણે બુઝાવ્યો!

સાતે સિંધુ તણી પાળે સામ્રાજ્યો ચણનાર ઓ!

પ્રભુએ શું ઘડી દીધા સૌ માનવ-પથ્થરો!

બાંધી એની શબનિસરણી શોધજો આભ-તારા!

સીંચી એની રુધિર-ઝરણી રોપજો ગર્વ-ક્યારા!

એની પીઠે ખડકી ખડકી તોપ-સૈન્યો- જહાજો!

‘જીતો પૃથ્વી! કતલ ચલવો!’ બોલ શું પ્રભુનો?

આકાશોની અટારીથી દોજખી તળિયા લગી;

નિહાળો: કો નથી સૃષ્ટિ વધુ ભીષણ થકી.

ભૂખ્યા એના જઠર મહીં છે દેવતા-માત્ર બિન્દુઃ

ત્યાંથી થોડે દિન પ્રગટશે વિશ્વવ્યાપી હુતાશ;

આંખોનાં અતલ ગરતે છૂપિયા સપ્ત સિંધુ,

જેની છોળે ગગનરમતા મ્હેલ હોશે વિનાશ.

નથી બંકી છટા તો-ભાંગેલી કેડ્ય છે!

સદીઓના સિતમ-ભારે હાંફતો હાડ-પુંજ છે.

કાળે એની કરુણ કથની કોતરી વળાંકે;

ડોકાયે છે કંઈ દુઃખયુગો ઊંડી કંદરામાં.

કદ્રૂપી શિકલ નિજ ઓળા મહીં ચિત્ર આંકે-

‘હૂ હૂ! હૂ હૂ!’ શબદ કરતી જાગતી દીન-જાતિ.

(1931)

રસપ્રદ તથ્યો

એડવિન માર્કહૅમ (1852) ના આ કાવ્ય પરથીઃ The man with the hoe Bowed by the weight of centuries he leans Upon his hoe and gazes on the ground, The emptiness of ages in his face, And on his back the burden of the world. Who made him dead to rapture and despair, A thing that grieves not and that never hopes. Stolid and stunned, a brother to the ox? Who loosened and let down this brutal jaw? Whose was the hand that slanted back this brow? Whose breath blew out the light within this brain? Is this the Thing the Lord God made and gave To have dominion over sea and land, To trace the stars and search the heavens for power, To feel the passion of Eternity? Is this the Dream He dreamed who shaped the suns And pillared the blue firmament with light? Down all the stretch of hell to its last gulf There is no shape more terrible than this- More tongued with censure of world’s blind greed- More filled with signs and portents for the soul- More fraught with menace to the universe. What gulfs between him and the seraphim! Slaves of the wheel of labor, what to him Are Plato and the swing of Pleiades? What the long reaches of the peaks of song, The rift of dawn, the reddening of rose? Through this dread shape the suffering ages look; Time’s tragedy is in that aching stoop; Through this dread shape humanity betrayed, Plundered, profaned, and disinherited, Cried protest to the Judges of the World, A protest that is also prophecy. O masters, lords, and rulers in all lands, Is this the handiwork you give to God, This monstrous thing distorted and soul-quenched? How will you ever straighten up this shape, Touch it again with immortality; Give back the upward looking and the light; Rebuild in it the music and the dream; Make right the immemorial infamies, Perfidious wrongs, immedicable woes? O masters, lords, and rulers in all lands, How will the Future reckon with this Man? How answer this brute question in that hour When whirlwinds of rebellion shake the world? How will it be with kingdoms and with kings– With those who shaped him to the thing he is- When this dumb Terror shall reply to God, After the silence of the centuries?

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997