shraddh - Metrical Poem | RekhtaGujarati

અશ્રદ્ધાનું શ્રાદ્ધ હું માગું આજે

જેવું પામ્યો એક વેળા કિરીટી

પામ્યું બીજું કોણ હું જાણું.

કૃષ્ણે એનો સંશયચ્છેદ કીધો

ગીતા-વારિ-અંજલિ આપી એને

નિષ્કામી થૈ કર્મચારી થવાને.

મારો આત્મા સંશયે જે બળે છે

એના શ્રાદ્ધે તર્પણે લાવવું શું?

કોને મારો યાદવ-શ્રેષ્ઠ માનું?

જીવ્યે પામે અંજલિ ના, કદી તે

પામે પ્રેતે અંજલિ તે, માંગું.

હું ના માંગું પિંડ, ના દર્ભ માંગું,

ભૂખો મારી શારીરી ન્હોય આજે.

બોલાવું હું વિશ્વદેવા થવાને

આવે કોઈ દેવ હું થાઉં સાથે.

ગંગાજીનાં વારી જેવાં જલો છે

જેના તત્ત્વે અંજલિ તેની માંગું.

કોને મારો યાદવ-શ્રેષ્ઠ સ્થાપું?

કોને મારો વિશ્વદેવા બનાવું?

માગું જેની અંજલિ વારિ ક્યાં છે?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004