શિશિર ઋતુનું વર્ણન
Shishir Rutu nu Varnan
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(વસંતતિલકા વૃત્ત)
આવ્યો રવી મકર રાશિ સમીપ આજ,
જાણે થયું શિશિર નામ ઋતુનું રાજ;
ટાઢે વિશેષ સઉના તનને ધ્રુજાવ્યાં,
જાણે શરીરધરને શિશિરે ડરાવ્યાં.
ઓઢે જનો શરીર ઉ૫ર તો દુશાલ,
લીલી પીળી ધવળ કે વળી રંગ લાલ;
જાણે શિશિર ભૂપથી ભય પામી ભારી,
ધર્યો સુવેષ પુરુષે પણ અર્ધનારી.
*
ઝાડો તણાં જિરણ પત્ર ખરી પડે છે,
કાષ્ઠ પ્રમાણ નિરખી મજરે ચડે છે;
જાણે શીતે તરુવરો બહુ લુંટી લીધાં,
વસ્ત્રો રહીત તરુઓ કરી ક્રોધ કીધાં.
ઓઢે શ્રિમંતજન તો સુજની રજાઈ,
પોઢે બિછાવી ઉનની ઉમદા તળાઈ;
પોઢ્યા હતા ઘન સમે જગદીશ જેમ,
પોઢ્યા દિસે શિશિરમાં નર લોક તેમ.
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)
વીતે છે પરિપૂર્ણ તે, શિશિર તો માઘી તિથિ પૂનમે
આવે છે દિવસો વસંતઋતુના, એમાં નહીં ઊનમે;
એનો હર્ષ અગાઉથી અતિ ઘણો, માને ઘણા માનવ;
માઘી પંચમીને દીને જન કરે, તેથી વસંતોત્સવ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
