shikarine - Metrical Poem | RekhtaGujarati

શિકારીને

shikarine

કલાપી કલાપી
શિકારીને
કલાપી

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન! તું,

ઘટે ના ક્રૂરતા આવી: વિશ્વ આશ્રમ સન્તનું. ૧

પંખીડાં, ફૂલ રૂડાં, લતા આ, ઝરણા તરુ;

ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં: વિશ્વ સૌંદર્ય કૂમળું. ર

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;

તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે. ૩

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;

પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. ૪

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;

સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે. પ

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;

પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે. ૬

રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું;

બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું! ૭

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ