shayanwelaye preyasi - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શયનવેળાએ પ્રેયસી

shayanwelaye preyasi

રાવજી પટેલ રાવજી પટેલ
શયનવેળાએ પ્રેયસી
રાવજી પટેલ

ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વાર ખખડ્યાં.

કવેળાએ આવી! કશુંય સમજી કો’ નવ શક્યાં.

કશા કૈં સંકોચે ઘડીક અટકી ને મરકતી

હળુ ઊભી પાસે ગૃહિણી મુજ સુંદર બની!

જરા ત્રાંસું ભાળી મુજ તરફ; ને બાલક ભણી

વળી ગૈ. ઓચિંતાં શત શત સર્યાં ચુંબન અને

ભરાયું આખુંયે શયનગૃહ થોડીક પળમાં.

થઈ આડીતેડી કસ વિગરની વાત ઘરની.

પછીથી પુત્રીની શિરીષ ફૂલ શી કેડ ફરતો

લઈ બાંધ્યો દોરો, હૃદય મુજ ગાંઠ્યું; ઘડીકમાં.

ગૃહિણીને ગાલે સહજ ટપલી દૈ; વળી વળી

ફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી

પથારીમાં છોડી અવશ મુજને, ને વહી ગઈ.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2