shatrunjay - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભીંજાયેલા ઉરેથી જગત ભિંજવતો (સ્નેહભીના કવિ શો),

ભાનુના આગમાર્થે વન ગિરિ નગરો છાંટવા ચિત્ત ચ્હાતો,

મુક્તાના સ્વસ્તિકોથી તૃણ કુસુમ તરૂપત્રને પૂજનાર,

આછેરા અભ્ર જેવો દશ દિશ ધસતો એકલો તુષાર.

તે મધ્યે હિમાદ્રિવિરહવિપદના શોકથી સ્તબ્ધ જેવો,

ઊંચી દૃષ્ટી કરીને જનકપથ ભણી ધ્યાનથી જોઈ રહેતો;

દેવો ને માનવોના મધુ મિલન તણા સ્થાન સંકેત જેવો,

દૈવી વૈમાનિકોના વિરતિભવન શો સિદ્ધ શૈલેશ ઊભો.

દેખીને શષ્પ સ્વાદુ, સલિલ બહુલતા, વૃક્ષની વાડિઓ ને,

ઊતાર્યો સ્વર્ગમાંથી નિજ ગજપતિને વાસવે વ્યોમ વાટે;

તે તો સંતૃપ્તિ એવી-અચલ બનિ રહ્યો નન્દનાનન્દ છોડી!

હારીને ઇન્દ્ર પાછો અમરપુર વિષે હા! ગયો આશ મૂકી!

તો યે વીસારતાં ક્ષણ નવ વિસરે આંગણે ઊછરેલો,

પાળલો પૂર્ણ પ્રેમે, પ્રતિ સમરપથે વાહરૂપે વસેલો

તેથી પૃષ્ઠે પનોતૂં નગર નિરમિને દિવ્ય દેવાલયોનૂં,

દેવોના વૃંદ સંગે સુરશચિપતિએ શૂં અહીં સ્થાન કીધૂં.

ઓઢેલી ઝૂલ લીલી પદસરણિ તણી મધ્ય રાજે કિનારી,

ને ચારૂ ચોતરાઓ પથિક વિરતિના શ્વેત ગુચ્છા સુહાગી;

ડોલન્તો મસ્ત વાયૂ શ્રમ સહજ હરી સ્પર્શથી શૈત્ય આપે,

ને ઇંદ્રોદ્યાન કેરી કુસુમસુરભિથી દોષ દૂરે હઠાવે.

શીળૂં કુંડ કેરૂં સલિલ થિર બની શાન્ત એકાન્ત સેવે,

તેને ધીમે રહીને રવિકર રસિલા આપિ ઉષ્મા જગાવે;

ને પેલો વાયુ વેગે વ્યજન વિરચતો ઉષ્ણતાને ઉડાવે,

સ્પર્ધા જોઈ મીઠી હસિ હસિ હળવે વારિ નાચે વિનોદે.

ઊંચે ઊંચે અહો શુચિતર શિખરો લોક બેને વિલોકે,

ધ્રૂજાવીને ધજાઓ કનક કલશની કાન્તિથી ચિત્ત ચોરે;

ને ઘેરો દુર્ગ ઊંચો અડગ સુભટ શો શૈત્ય સન્તાપ સ્હેતો,

રક્ષાર્થે રમ્યતાની અનિમિષ નયને એક પાદે ઊભેલો.

પ્રસાદો અનેરા કર દઈ કરમાં રાસ રંગે રચીને

ઊભા દેવાંગનાનાં રસિક હૃદયનાં ઝીલવા ગાન હર્ષે;

ચિત્રોનૂં ને કલાનૂં વિવિધ હૃદયના ભાવ ને વૃત્તિઓનૂં,

સૌંદર્યોનૂં, રસોનૂં, ઉચિત ખચિત સંગ્રહસ્થાન સાચૂં.

ગન્ધદ્રવ્યો અમૂલાં કંઈ કંઈ કુસુમો શાન્તિ આપે સુવાસે,

ઘંટાના ઘોર ઘેરા ગગન ગજવતા, સ્પર્દ્ધતા સામસામે:

તો યે એકાન્તનૂ ને કવિહૃદય તણી વીચિઓ વાધવાનૂં,

ભક્તિની ભવ્યતાનૂં અચલ વિરતિનૂં સ્થાન શોભે સદાનૂં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931