Sharad Rutu ni Sarita - Metrical Poem | RekhtaGujarati

શરદ ઋતુની સરિતા

Sharad Rutu ni Sarita

દલપતરામ દલપતરામ
શરદ ઋતુની સરિતા
દલપતરામ

(માલિની વૃત્ત)

નદિ જળ મળ છાંડી, વેગ ધીમો જણાય,

મનુષ ગત જુવાની, શાંત તે જેમ થાય;

તટ સમિપ તરુઓ, નિર્ભયે છે નિહાળો;

સુજન સમિપવાસી, તે સુખી જેમ ભાળો.

સરિત સર સુશોભે, નિર્મળાં નીરવાળાં,

કમળ સરસ રંગી, ત્યાં દિસે છે રૂપાળાં;

નિરમળ મન મધ્યે, ધર્મનો ભાવ જેમ,

પ્રગટ સરસ શોભે સ્વચ્છતાયુક્ત તેમ.

ભ્રમર બહુ ભમે છે, ફૂલનો ગંધ લેવા,

ગુણ ગ્રહણ કરે છે, ગ્રાહકો સુજ્ઞ જેવા;

ભ્રમર રવ કરે છે, પામી આનંદ અંગે,

કવિજન શુભ કીર્તિ, જેમ બોલે પ્રસંગે.

*

જલદ ઋતુથી જૂદો, વેષ ધાર્યો નદીએ,

શિશુ વય શણગારો, ફેરવ્યા જેમ સ્ત્રીએ;

હરિત તૃણ હતાં ત્યાં, શેરડા થૈ ગયા છે,

ધરણિ શરીર સાડી, ધારિ જૂદી શું છે.

*

સરિત સર તટે છે, હંસ ને ચક્રવાક,

મધુર સ્વર ઉચારી, હર્ષ પામે અથાક;

વિમળ જળ વિલોકી, આવિયા પક્ષિ એવા,

સુજન અમલ સારે, જેમ આવે રહેવા.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002