શરદ
sharad
નર્મદ
Narmad
નર્મદ
Narmad
(તોટક)
નદીનાં સરતાં નીર થીર રહ્યાં, મળથી છૂટી આરસ શુદ્ધ થયાં;
સઘળે સ્થિરતા જ સફાઈ થઈ, પણ જેવી હું તો હતી તેવી રહી.
દરિયો તજી ગર્વ ધીમો જ પડ્યો, બહુ થાકથી વહાણસું ના જ નડ્યો;
સહુ બંદર કેરી જુદાઈ મટી, પણ જેવી હું તો હતી તેવી રહી.
જૂથમાં સર ઉપર રોજ રમે, બતકો બહુ હંસ કલોલ કરે;
હીલવે જીભ માછલીઓ રસથી, પણ જેવી હું તો હતી તેવી રહી.
ખૂબ ઇંદીવરો સૂરબિંબ થકી, કુમુદી વળી કૈરવ ચંદ્ર થકી;
સરખાં ફૂલ શોભી રહ્યાં જ ખીલી, પણ જેવી હું તો હતી તેવી રહી.
ખૂલતું જ બપોરિયું માલતી ને, પૃથિવી ભરપૂર સફેદ ફૂલે;
વળી કાશ તણી દીપતી ચમરી, ૫ણ જેવી હું તો હતી તેવી રહી.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
