shankhnaad - Metrical Poem | RekhtaGujarati

ભારતી ભૈયા રે! શંખ સુણ્યો હજી શું?

બેસી રહીશું રે, કે ઝટ સાજ સજીશું?— ધ્રુવ.

ભારતમૈયા આજ બધાને સત્વર રણ બોલાવે;

વીર જનોને ત્યાં શું ટકટક જોયાં કરવું ફાવે?

ભારતી ભૈયા રે!

શંખ સુણ્યા કે વીરજનોનાં ગજગજ ફૂલે હઇડાં;

તન તણખે ત્યાં ભૂલે ગોરી ગોવાલણનાં મહીડાં!

ભારતી ભૈયા રે!

હાક પડે ત્યાં રક્ત શૂરનાં આભ ઊછળતાં ધાશે;

થશે મરણિયા કાયરના ને જુલમીઓ ડર ખાશે.

ભારતી ભૈયા રે!

ભારતમૈયા પડી ઘવાશે, અરે ધસો ઝટ સાહ્યે!

લાખ જખમ પણ પલક રુઝાશે એક શૂરની છાંયે!

ભારતી ભૈયા રે!

એક હાથ રક્ષકવીરાનો સો ઘાતક શરમાવે :

ધર્મ સ્વદેશથકી લડતાં પણ મરવું મૃત્યુ દિપાવે!

ભારતી ભૈયા રે!

વીરા! આવો, માત ઊગરતાં ઉગારવી સો પ્હેેડી :

મરશું તોપણ ધન્ય બનીશું, મૃત્યુ વિશે ક્યાં બેડી?

ભારતી ભૈયા રે!

શંખ પ્રબળ ફૂંકાયા! ડંખ દિલેદિલ લાગે!

હરહર, વીર અદલ કાજે અમુલખ અવસર જાગે!

ભારતી ભૈયા રે!

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ