chaltan chaltan - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાલતાં ચાલતાં

chaltan chaltan

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
ચાલતાં ચાલતાં
પ્રિયકાન્ત મણિયાર

શ્હેરનો રાત્રિનો માર્ગ વિચારોથી ભર્યો ભર્યો,

તેજીલા વીજદીવાની વચ્ચેથી હું વહ્યો જતો.

ઓચિંતા નીરખું મારી છાયા શી સરકી જતી

વેગીલી આવતાં કાર દોડતી તીક્ષ્ણ દૃષ્ટિએ,

ચાંપેલી ચરણે મારી છાયા શી સરકી જતી;

સામેથી આવતાં અન્ય વળી ત્યાં કોઈ વાહન

ઘૂમતી શીઘ્ર તો એવી મકાને કો ચડી જતી,

પથના દીપના તેજે ઢોળાયાં જલના સમી;

ઘડીક ઠીંગણું રૂપ લાવતી તો પ્રમાણમાં,

ઓચિંતી વધતી કિંતુ લાંબા કો સળિયા સમી;

એક્કી સાથે ધરે રૂપ ત્રણ કે ચારથી વધુ,

મુખ્યત્વે આકૃતિ માત્ર, ઇન્દ્રીયોનું કશું નહીં;

પૂલપે ચાલતો તોયે નદીના પટમાં વહે,

તીરનાં વૃક્ષનાં પર્ણે ચોંટીને ઉપરે ચડે;

ઓચિંતી વ્યોમથી વર્ષા પાણી તો પગથી લગી

જલનાં બિંદુએ બિંદુએ આવી તો ગેલમાં જતી,

થંભુ હું ક્યાંક તે કેવી જાવાને તડપી રહે

વ્હેતા વ્હેણની સાથે મૂકીને મુજને પૂંઠે!

દૃષ્ટિયે મેળવી જેની સાથે ના ક્ષણ એક તે

અજાણી નારીના આછા સાળુમાં જઈને રમે,

આખાયે પથને રોકે એટલી પુષ્ટ થાય એ;

ક્ષણનું સઘળું રૂપ, ક્ષણમાં લુપ્ત થાય, ત્યાં

વિરૂપ રૂપનો પ્રશ્ન? અન્ય સાથે ભળી જવુ,

આધીન સર્વ સંજોગે વાંકાચૂકા વળી જવું;

ભરાતી સર્વ આંટામાં ગાડીના મંદ ચક્રમાં

ચાલતા રહેંટનું દૃશ્ય દૃષ્ટિ સામે થતું ખડું,

લક્ષ્યને પ્હોંચતાં પહેલાં મારી તે મૉર પ્હોંચતી;

અંધારા કોક ખૂણામાં દેખાતી ગેબ થતી.

જૂજવાં જૂજવાં રૂપ પેખ્યાંથી કલાંત હું હવે

લોચનો મીંચીને થંભુ સર્વ ત્યાં એકઠાં થતાં,

અજાણ્યા ધૂંધળા આછા ઘેરા અંધાર રૂપમાં;

ફરીને લોચનો ખેાલું, નીરખું હું નહીં નવું,

અનંત જૂજવાં રૂપે હું હું લહું.

છાયાના રૂપમાં તે મારાં સૌ ચિત્ર ચાલતાં આ,

ચાલતાં ચાલતાં જોયું મારું મેં ચલચિત્ર આ.

સ્રોત

  • પુસ્તક : અશબ્દ રાત્રિ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ
  • વર્ષ : 1959